અમરેલીના ખાંભાના નાનુડી ગામ નજીક આવેલા બરસીયા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે અંદાજે ૮૦ વીઘાથી વધુ રેવન્યુનો ડુંગરાળ વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. બનાવની જાણ વન વિભાગ તેમજ મામલતદારને કરવામાં આવી હતી. જાકે, આ આગ કુદરતી રીતે જ વહેલી સવારે ઓલવાઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, અમરેલીના નાનુડી ગામ નજીક આવેલા બસરીયા ડુંગરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી ગઇ હતી અને આસપાસના વિશાળ વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યાની જાણ મામલતદાર તેમજ વન વિભાગને કરવામાં આવી હોવા છતા પણ ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ૮૦ વીઘાથી વધુનો વિસ્તાર બળીને ખાખ થઇ ગયો હતો. જાકે, આ આગ કુદરતી રીતે જ ઓલવાઇ ગઇ હતી.આ ઘટનામાં ડુંગરાળ વિસ્તારનો મોટો ભાગ બળી જતા પર્યાવરણને ભારે નુકસાન થયું છે. વૃક્ષો, જંગલી વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસસ્થાનોને પણ અસર થઇ છે. જાકે, આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આ આગ એટલી વિકરાળ હતી કે ડુંગરાળ વિસ્તારમાં મોટા ભાગના વૃક્ષ બળીને ખાખ થઇ ગયા હતા.
બસરીયા ડુંગર વિસ્તારમાં આગની ઘટનાને લઇને ખાંભાના મામલતદાર એમ.ડી.ભાલોડીએ જણાવ્યું હતું કે, મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.