સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે. આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જાકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો દીવો લઇને શોધવા નીકળવું પડે તેવું જાણવા મળી રહ્યું છે.
વિગતવાર વાત કરીએ તો, આ ચૂંટણીઓમાં મોરબી જિલ્લા માળીયા નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપ દ્વારા યોજવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં એક પણ દાવેદાર દાવેદારી ન કરવા આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતભરમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોની પડા પડી જાવા મળી રહી છે, પરંતુ મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી. જેથી ભાજપને અહીં એક ઉમેદવાર પણ શોધવો મોટી ચેલેન્જ સમાન સાબિત થઈ રહ્યો છે.
આ તરફ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી માટે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ભાજપમાં ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી છે, તો અમરેલીમાં પણ ૧૬૮૦ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેર તથા જીલ્લાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્ચા વ્યક્ત કરી છે. જેની સરખામણી મોરબીની માળીયા પાલિકામાં એક ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ દોડતા થયા છે અને આ નગરપાલિકા માટે ઉમેદવાનોને શોધવા નિકળી પડ્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા નગર પાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો આવેલી છે અને વર્ષોથી અહીં કોંગ્રેસ સત્તા જમાવીને બેઠી છે. જેથી અહીં ભાજપમાંથી ચૂંટણી લડવાનું કોઈ પસંદ કરી રહ્યું નથી. ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી એમાં ભાજપ કાર્યાલય પર ૨૪ બેઠકો પર કોઈ ઉમેદવાર તરીકે સેન્સના ફોર્મ ભરવા જ આવ્યું નથી. જેથી આ માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ માળીયા નગરપાલિકા બેઠક પર દાવેદારો મળે તે માટે અનેક પ્રયાસો કરી કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં જાવાનું રહ્યું કે, ભાજપ માળીયા નગરપાલિકામાં પોતાના ઉમદેવારો ઉતારી શકે છે કે કેમ?






































