ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘સમાન નાગરિક સંહિતા’ બિલ-૨૦૨૬ રજૂ કરાયા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. બિલને લઈને ગૃહમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. જાકે, શુક્રવારે(૩ એપ્રિલ) રાજ્યભરમાં મુસ્લિમ સમાજ દ્વારા યુસીસીના કાયદાનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પંચમહાલના શહેરામાં પણ જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને યુસીસીના કાયદાનો વિરોધ કર્યો છે.
પંચમહાલ જિલ્લાના શહેરામાં જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો સહિતના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી યુસીસીના કાયદા સામે શાંતિપૂર્વક રીતે વિરોધ નોંધાવી યુસીસીનો કાયદો પાછો ખેંચવાની માગ કરી છે. આ સાથે વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે, ‘આ કાયદામાંથી મુસ્લિમ સમાજને મુક્ત કરવામાં આવે.’
ગુજરાત વિધાનસભામાં ૨૪મી માર્ચે ‘સમાન નાગરિક સંહિતા’ બિલ ૨૦૨૬ રજૂ કરાયું હતું, જે ૭ઃ૩૦ કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ યુસીસી બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. ‘ગુજરાત બિલ નંબર ૧૭ આૅફ ૨૦૨૬’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાતા ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું.