બાબરા તાલુકાના ધારાસભ્ય જનક તળાવીયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે રાયપર ગામ ખાતે સંતશ્રી વિરાઆપાની જગ્યાથી રાયપર–સમઢીયાળા મુખ્ય માર્ગ સુધી અંદાજિત રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રિટ (સી.સી.) રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ વિસ્તારના ગામજનો માટે લાંબા સમયથી જરૂરી હતો. ખાસ કરીને સંતશ્રી વિરાઆપાની જગ્યાએ દરરોજ મોટી સંખ્યામાં ભક્તો તથા ગામજનો આવાગમન કરતા હોય છે, જેના કારણે અહીં મજબૂત અને સુવિધાસભર માર્ગની જરૂરિયાત અનુભવાતી હતી. વરસાદી ઋતુ દરમિયાન કાચા રસ્તાના કારણે વાહન વ્યવહાર તથા ગામજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે સી.સી. રોડના નિર્માણથી આ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. આ અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપીને વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આ રોડના નિર્માણથી રાયપર ગામને સમઢીયાળા માર્ગ સાથે વધુ સુગમ જોડાણ મળશે, જેના કારણે પરિવહન વ્યવસ્થા સુધરશે અને ગ્રામ્ય વિસ્તારોના સામાજિક તથા આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને રોજિંદા કામકાજ માટે જતા લોકોને પણ આ માર્ગથી સરળતા રહેશે. આ સી.સી. રોડનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.









































