જુના સમયમાં સિંહાસનની આગળ સિપાહી અને પાછળ ધર્મગુરુ કે સલાહકાર ઉભા રહેતા. આગળ શક્તિ અને પાછળ બુદ્ધિ રહેતા. જે સિંહાસનનું રક્ષણ અને સાચા નિર્ણયો લેવડાવવામાં મદદરૂપ થતા. એક મજબૂત રક્ષક અને એક ધરાતલનો જાણકાર સલાહકાર, હિતેચ્છુ કે શુભેચ્છક બાજુમાં હોવો જરૂરી છે, જેથી શાસક સુચારુ ઢબે શાસન કરી શકે. જીવનના દરેક ક્ષેત્રમાં એવા વિવેચકો કે સમીક્ષકો નજીક રાખવા જરૂરી છે જે તમને અરીસો બતાવી શકે, તમારું તટસ્થ આકલન કરતા રહે, તમને ભૂલો કરતા અટકાવે અને તમને સત્ય કહેવાની હિમત પણ રાખે. નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામીના નિર્વાણ વખતે એમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે જાહેરજીવનમાં મારા ભાષણ શરૂ થયા, મુખ્યમંત્રી બન્યો, ત્યારે પ્રમુખસ્વામીજીને ટાઈમ મળે, પ્રવાસમાં હોય તો મારી પાસે ભાષણની વીડિયો મંગાવે. મને એમ થાય કદાચ સમય પસાર કરવા માટે, કદાચ કંઈક જાણવા માટે, મંગાવતા હશે અને જોતા હશે. પણ બે-ત્રણ દિવસ પછી એમનો ફોન આવે કે “ ભાઈ, આ શબ્દો તારે ન બોલાય. તારે હજુ આગળ ઘણાં કામ કરવાનાં છે. તું આવી ભૂલ કરે છે ?” ‘કદાચ કોઈ અખબારે પણ ધ્યાન નહીં દોર્યું હોય, કે મારા રાજનીતિક વડાએ પણ ધ્યાન નહીં દોર્યું હોય, પ્રમુખસ્વામીએ મારું ધ્યાન દોર્યું છે. એક વાર નહીં, આવી ઘટનાઓ ડઝન વખત બની હતી.’ કોઈ સંત રાજ્યના વડાને આવો ઠપકો આપી શકે એ સ્થિતિ રાજનીતિમાં આદર્શ છે. સંતો માટે રાજ્યનો આદર અને રાજ્ય માટે સંતોનો અહોભાવ બંને ઉપરના સંવાદમાં છલકે છે.
વિપક્ષના વિરોધનું સ્તર સતત ગબડી રહ્યું છે. ૨૦૨૪ના લોકસભા બાદ વિપક્ષોને ખાસ કરીને કોંગ્રેસને મળેલું મોમેન્ટમ ખતમ થઇ ગયું છે. જે નાનીમોટી આશા જાગી હતી એ ઝડપથી નિરાશામાં બદલાઈ ગઈ છે. તમારાથી વધુ શક્તિશાળી સતત જીતી રહ્યો છે. શક્તિશાળી પ્રતિસ્પર્ધીનું સન્માન કરવું જરૂરી છે, વિનમ્રતાનો ગુણ રાજનીતિમાં પણ લાભકારી થઇ શકે છે. જે વિપક્ષે ગુમાવી દીધો છે. સામાવાળાનું તેની તાકાત પ્રમાણે સન્માન હકારાત્મક રાજનીતિનો એક ગુણ છે. આધાર વિનાના આક્ષેપ કે આરોપનું આયુષ્ય લાંબુ હોતું નથી. તમારે એ આરોપ લગાવીને ભાગી જવું પડે છે કે આરોપ છોડી દેવો પડે છે. તમે લગાવેલા ખોટા આરોપનો જવાબ તમારો પીછો કરે છે અને તમારે માફામાફી કરવી પડે છે, રાજનૈતિક ભાષામાં આને થૂંકેલું ચાટવું કહે છે. ચુપ રહેવાથી જેનું મન અસ્વસ્થ થઇ જાય છે એ સંભાળવાનો આદિ નથી હોતો. આ બધામાં એક દેશવ્યાપી ચર્ચા એ પણ છે કે રાહુલ ગાંધીના સલાહકાર કોણ છે ? કોની સલાહ લઈને એ રાજનીતિ કરે છે ? સામાછેડે નરેન્દ્ર મોદી વિશે દરેક રાજનીતિક આલોચક કે વિશેષજ્ઞ એક વાત જરૂર સ્વીકારે છે કે એ દરેક વાતને ખુબ ધીરજથી સાંભળે છે. સિંહાસન પર બેઠેલાએ કાન અને દિમાગ સતત અને બધા માટે ખુલ્લા રાખવા પડે છે.
બુદ્ધિને રાજકીય સમર્થન મળે તો એમાંથી મળનાર પરિણામો ઉત્તમ રહેવાના. મુઘલ સલ્તનતના હુક્કાબરદારો જેવા સલાહકારોથી અને ટેકેદારોથી ઘેરાયેલા નેતાને આની પ્રતિતી થવી મુશ્કેલ છે. આવા ટેકેદારો અને સલાહકારો માત્ર હુક્કા ભરી આપવા અને કુર્નિશ બજાવવા જ પેદા થયેલા હોય છે. નાનપણમાં વાંચેલી એક નાની વાતનો અંશ અત્યારે ખુબ પ્રાસંગિક છે….
‘‘એ મોટા માથાળા’’ કાંઈ જવાબ નહિ.
‘‘એ ગધા, એ મૂરખ તારું માથું ડુંગળી જેવું છે.’’ છતાય કશો જવાબ નહિ.
સંધ્યા ટાણું થયું હતું. અંધારું પાથરવા માંડ્યું હતું. એથેન્સના સભાગૃહ તરફથી એક તેજસ્વી રાજપુરુષ પોતાના ઘરભણી જતો હતો અને પાછળ એક લોફર જેવો જુવાનીયો એને સરસ્વતી સંભળાવી રહ્યો હતો. ઘેર પહોંચતા અંધારું ઘેરું થયું, પેલો જુવાન હજુ ગાળો આપતો પાછળ આવતો હતો. ઘરમા દાખલ થતા રાજ પુરુષે દરવાનને કહ્યું, ‘‘મશાલ લાવને, આ જુવાનને ઘર સુધી મૂકી આવ.’’
એ રાજપુરુષ હતો એથેન્સનો નવો ભાગ્યવિધાતા, પેરીક્લીસ. સત્તા અને સંસ્કાર, વિવેક અને અધિકાર, લક્ષ્મી અને સરસ્વતીનો સંગમ. એના સત્તાકાળ દરમિયાન એથેન્સે અનેકો મહાપુરુષ પેદા કર્યા.
— મનુભાઈ પંચોળી ‘દર્શક’ ના ‘નગરવિધાતા’ માથી સાભાર.
યથા રાજા તથા પ્રજા ઉક્તિને થોડી આગળ લઇ જવાનો સમય આવી ગયો છે, યથા નેતા તથા કાર્યકર્તા. ભારત મંડપમાં એઆઈ સમિટમાં શું શું હતું ? ત્રણ લાખ રજીસ્ટ્રેશન થયા હતા, સો થી વધુ દેશ હાજર હતા, જેમાં ઘણા યુરોપિયન દેશ પણ હતા, ચાલીસથી વધુ કંપનીના ગ્લોબલ સીઈઓ, છસ્સોથી વધુ સ્ટાર્ટઅપ્સ, ૨૦ થી વધુ હેડ ઓફ સ્ટેટ, સાઈંઠ જેટલા અલગ અલગ દેશોના મીનીસ્ટરો ત્યાં સામેલ હતા જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ટોપલેસ થઈને પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ આ કાર્યકર્તાઓને પોરસ ચઢાવતા કહ્યું કે તેઓ બબ્બર શેર છે, ડરવાનું નથી. આ ભારતની ઇવેન્ટ હતી. ભારતીય જનતા પક્ષનો સમાંરભ નહોતો. દુનિયા જેનું ભવિષ્ય જોઈ રહી છે એવા ક્ષેત્રમાં ભારતનું આયોજન, ક્ષમતા અને ગુણવતા દુનિયાને બતાવવાનો પ્રસંગ
આભાર – નિહારીકા રવિયા હતો. આંતરરાષ્ટ્રીય સ્તરનું આવડું મોટું પ્લેટફોર્મ બનાવનારી આ પહેલી ઇવેન્ટ હતી. ત્યાં દેશના મુખ્ય વિપક્ષના કાર્યકર્તાઓ આ પ્રકારનું પ્રદર્શન કરે એ ઘટના વિપક્ષને દેશ પ્રત્યેની ભાવના દર્શાવે છે. વડાપ્રધાનની વિરુદ્ધ પ્રદર્શન કરવાના ઘણા સ્થળો છે. આ ઇવેન્ટ દેશને દુનિયા સમક્ષ રાખી રહી હતી. વિરોધનું સ્તર અને સ્થળ બંને વિવેકબુદ્ધિ આધારે નક્કી કરવું જરૂરી છે.
ક્વિક નોટ – નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન પાની, સાબુન બિના, નિર્મલ કરે સુભાય.
“નિંદક નિયરે રાખીએ” એ સંત કબીરનો પ્રખ્યાત દોહો છે, જેનો અર્થ છે કે તમારી ટીકા કરનારને હંમેશા તમારી નજીક રાખવો જોઈએ. તે સાબુ કે પાણી વગર જ તમારી ખામીઓ બતાવીને તમારા સ્વભાવને નિર્મળ બનાવે છે.
production@infiniumpharmachem.com








































