કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક વેપારી ઉપર ઉનાના કેટલાક માથાભારે ઈસમોએ કરેલા જીવલેણ હુમલાના સમગ્ર પંથક અને ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ બનાવના વિરોધમાં આજે તા. ૧૩/૨ના રોજ ડોળાસા ગામના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. બનાવની વિગત મુજબ, ડોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા ૪૫ વર્ષીય દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર ગત તા. ૧૦/૨ની રાત્રીના સાડા બાર વાગ્યે ઉનાના નિલય રામભાઇ વાળા અને તેના સાગરીતો સહિત ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં દિલીપભાઈને કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક નિર્દોષ વેપારી પર થયેલા બેરહેમીપૂર્વકના હુમલાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓ દુકાનો બંધ રાખીને રેલી સ્વરૂપે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન જશે, જ્યાં જવાબદાર અધિકારીઓને આવેદન આપી આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા રજૂઆત કરશે. આ બંધને સફળ બનાવવા માટે યુવાનો દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી.










































