ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક ફેરફારોની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ૧૩ ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લા ભાજપના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા અને પરામર્શ બાદ આ નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને તમામ તાલુકા અને શહેરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા ભાજપના આ નવા સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની મહત્વની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના અનુભવી નેતાઓને ૮ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે ત્રણ સક્રિય ચહેરાઓની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે ૮ મંત્રીઓની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, સંગઠનમાં ૧ કોષાધ્યક્ષ, ૧ કાર્યાલય મંત્રી તેમજ સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગના ઇન્ચાર્જની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય સંગઠન ઉપરાંત જિલ્લા ભાજપના વિવિધ પાંખો (મોરચા) માં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. જેમાં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચા માટે પ્રમુખ અને મહામંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખા સાથે અમરેલી જિલ્લામાં ભાજપ વધુ મજબૂત બનશે અને આગામી કાર્યક્રમો માટે સંગઠન સજ્જ બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.











































