ઉના તાલુકાના ખત્રીવાડા ગામમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે બે સિંહ ગામમાં ઘૂસી આવ્યા હતા અને ગામની મધ્યમાં બે માલઢોરનો શિકાર કર્યો હતો. સિંહની ડણકથી આખું ગામ ગુંજી ઉઠ્‌યું હતું અને ગ્રામજનો પણ જાગી ગયા હતા. બે સિંહ ગામની પ્રાથમિક શાળા તરફ આગળ વધી રહ્યા હતા. સિંહ આવ્યા હોવાની જાણ થતાં માલઢોરમાં પણ દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક શાળા નજીક સિંહના દૃશ્યો આસપાસ રહેતા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. સિંહોએ પ્રાથમિક શાળા પાસે જ માલઢોરનો પીછો કર્યો હતો અને ગામની મધ્યમાં બે પશુઓનો શિકાર કર્યો હતો. ગામના સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, સિંહોએ ગામની મધ્યમાં બે માલઢોરનો શિકાર કર્યો છે.