અમરેલીના લીલીયામાં મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલય ખાતે બે દિવસીય ઝોન કક્ષાના કલા ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. GCERT ગાંધીનગર અને ડાયેટ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રમુખ અરુણભાઈ પટેલ અને આચાર્ય કાર્તિકભાઈ વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અમરેલી, જૂનાગઢ, જામનગર સહિત સૌરાષ્ટ્રના ૬ જિલ્લાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગીત, ગાયન, ચિત્રકામ અને બાળ કવિ જેવી ૪ સ્પર્ધાઓમાં કુલ ૭૨ કૃતિઓ રજૂ થઈ હતી. ૨૫ નિર્ણાયકો અને ૭૨ માર્ગદર્શકોની ઉપસ્થિતિમાં બાળ કલાકારોએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. અંતમાં તમામ સહભાગીઓને પ્રમાણપત્ર અને કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડો. હસમુખભાઈ કરડના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.