ગુજરાતમાં હવામાન દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. એક જ દિવસમાં સવારે ઠંડીનો અહેસાસ કરાવતી ઠંડી હવા અને બપોરે તીવ્ર ગરમી,આ ‘બેવડી ઋતુ’ ની સ્થિતિ હાલ રાજ્યભરમાં જાવા મળી રહી છે. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે સવારે અને સાંજે હળવી ઠંડી પડે છે, જ્યારે બપોરે પવનની દિશા બદલાતાં તાપમાનમાં ઝડપી વધારો થાય છે.
હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, ગુજરાતનાં હવામાનમાં કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આના કારણે સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે. અન્ય વિસ્તારોમાં પણ સવારે અને સાંજે હળવી ઠંડી જ્યારે બપોરે ૩૨થી ૩૪ ડિગ્રી સુધીની ગરમી અનુભવાઈ છે.
રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનની સ્થિતિ
નલિયા ૧૧.૨ વડોદરા ૧૬.૪
ડીસા ૧૫.૦ મુન્દ્રા ૧૬.૪
ગાંધીનગર ૧૫.૫ અમરેલી ૧૭.૦
મહુવા ૧૫.૬ રાજકોટ ૧૭.૨
અમદાવાદ ૧૬.૨ ભાવનગર ૧૭.૯
સુરેન્દ્રનગર / કંડલા ૧૬.૦
સુરત ૧૮.૧
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૭ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. રાજ્યમાં મોટેભાગે સૂકું વાતાવરણ રહેશે. સવારે ઠંડી અને બપોરે ગરમીની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ આગાહી નથી.







































