અમરેલીના માલવણ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં ખેતમજૂરી કરતા ૪૦ વર્ષીય વનરાજભાઇ નાજાભાઇ છૈયાએ આર્થિક સંકડામણ અને ખેતીમાં નુકસાનના કારણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા અરેરાટી મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, વનરાજભાઇને ચાલુ વર્ષે સિંગના પાકમાં ધાર્યા કરતા ઘણો ઓછો ઉતારો આવ્યો હતો અને ઘઉંનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ હતી. આ આર્થિક પાયમાલીથી વ્યથિત થઈ તેમણે ગત ૭ ફેબ્રુઆરીએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ગંભીર હાલતમાં સારવાર દરમિયાન ૮ ફેબ્રુઆરીના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના ભાઈ વિક્રમભાઇ છૈયાએ આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલ હેડ કોન્સેબલ પી.આર. બાવળીયા અને કે.એચ. ટીલાવત આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ખેતમજૂરના આ પગલાથી ગ્રામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.










































