બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી તે આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) મંજૂર કરવામાં આવ્યો છે. કોટડાપીઠામાં આરોગ્ય કેન્દ્રથી કર્ણુકીના કાચા રસ્તાને જોડતો સી.સી.રોડ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાએ સતત રજૂઆત કરી હતી. કોટડાપીઠા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદી આવાગમન, શાળા-કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય જનક તળાવીયાએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. આ માર્ગ બનવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે, ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગ્રામજનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. આ મંજૂરી મળતાં કોટડાપીઠા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા ગ્રામજનોએ ઘારાસભ્ય જનક તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે.