અમરેલી જિલ્લામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, સ્પર્શ કેન્સર કેર, ફીટ ઇન્ડિયા અને બિમ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેન્સર એવરનેસ વોકેથોન યોજાઈ હતી. બગસરા મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કાઉટ-ગાઈડ તથા એનસીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ મેઘાણી હાઈસ્કૂલથી વિજય ચોક, તિરુપતિ સોસાયટી અને મેઈન રોડ સુધી રેલી કાઢી વ્યસનમુક્તિ અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર અને બેનર દ્વારા લોકોમાં વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડ્યો હતો. કાર્યક્રમમાં આચાર્ય વી.કે. જેઠવા, સ્નેહી પરમાર, રામોલીયાભાઈ સહિત શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપાબેન ગોહિલ, જીજ્ઞેશભાઈ વડેરાએ કર્યુ હતું. કાર્યક્રમના અંતે સ્પર્શ કેન્સર કેર તરફથી વિદ્યાર્થીઓને મેડલ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી. રીબડીયા, રાજુભાઈ ગીડા, કમલેશ જાષી સહિતનાઓ હાજર રહ્યા હતા.










































