એનડીપીએસ કાયદા હેઠળ વધુ એક મહત્વના કેસમાં અદાલતે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક વલણ અપનાવ્યું છે. વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા એમડી ડ્રગ્સ કેસમાં એનડીપીએસ કોર્ટે આરોપીને લાંબી સજા ફટકારી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ૨૦૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ સાથે આરોપી ડાહ્યાલાલ પટેલની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલ ડ્રગ્સની માત્રા એનડીપીએસકાયદા મુજબ કોમર્શિયલ ક્વોન્ટીટીમાં આવતી હોવાથી કેસને ગંભીર ગણવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કાયદેસર રીતે જપ્તી, પંચનામા અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. બાદમાં એફએસએલ રિપોર્ટમાં જપ્ત કરાયેલ પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું, જે કેસ માટે મહત્વપૂર્ણ પુરાવો બન્યો હતો. કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી તપાસ અધિકારીઓના નિવેદનો, જપ્તી સંબંધિત દસ્તાવેજા તથા વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ એનડીપીએસ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
એનડીપીએસ કોર્ટે આરોપી ડાહ્યાલાલ પટેલને ૧૮ વર્ષની સખત કેદ તથા ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અદાલતે ચુકાદામાં જણાવ્યું કે, ડ્રગ્સ જેવા ગુનાઓ સમાજ અને ખાસ કરીને યુવા પેઢીના ભવિષ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. ચુકાદા દરમિયાન અદાલતે આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ ધ્યાનમાં લીધો હતો. અગાઉ પણ આરોપી સામે ડ્રગ્સનો કેસ નોંધાયો હતો અને તે કેસમાં એનડીપીએસ કોર્ટે તેને ૧૫ વર્ષની સજા સંભળાવી હતી. રીપિટ આફેન્ડર હોવાને કારણે કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું.
આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે દલીલ કરી હતી કે આરોપી સામેના પુરાવા શંકાથી પર સાબિત થાય છે અને સમાજમાં ડ્રગ્સના દુષ્પ્રભાવને અટકાવવા માટે કડક સજા જરૂરી છે. કોર્ટે સરકારી વકીલની દલીલો સ્વીકારી હતી. એનડીપીએસ કોર્ટનો આ ચુકાદો ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા તત્વો માટે કડક ચેતવણી સમાન છે. ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલી આ સજા સમાજમાં નશા વિરોધી અભિયાનને મજબૂત બનાવશે અને ડ્રગ્સ માફિયા સામે કાયદાનો ભય ઊભો કરશે.





































