રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ-વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો શુભારંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા-ખીજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ-વે પર આશરે રૂ. ૫૬.૬૦ લાખના ખર્ચે ખાનાવાળા બોક્ષ કલવર્ટની કામગીરી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવશે. શેડુભાર ગામમાં સ્થાનિકોની માંગણી મંજૂર થતા રાજ્યમંત્રીના હસ્તે હયાત કોઝ-વેની જગ્યાએ ૦૬ જગ્યાએ ૨.૦૦ મીટર પહોળાઈ અને ૨.૦૦ મીટરની ઉંચાઈના ખાનાવાળા બોક્ષ કલવર્ટ મૂકવામાં આવશે. જેના લીધે ચોમાસામાં પાણી ઓવરટેપીંગ થવાના સંજોગોમાં પણ આવનજાવન શરૂ રહેશે અને ગામમાંથી પસાર થતી નદીમાંથી સરળતાથી રસ્તો પસાર કરી શકાશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા માર્ગ મકાન વિભાગ રાજ્યના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી.