સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિરાટ હિન્દુ સંમેલન’ ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે સમગ્ર હિન્દુ સમાજ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતાના સૂત્રે બંધાયો હતો.કાર્યક્રમની મુખ્ય વિશેષતા વડીલ વંદના રહી હતી, જેમાં ૧૦૦ વર્ષથી વધુ વયના વડીલોનું પૂજન કરી સન્માનિત કરાયા હતા. નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવા બાળકો દ્વારા માતૃ-પિતૃ પૂજન અને ગૌ-પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સંગીતમય હનુમાન ચાલીસા અને જીવંત ઝાંખીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંઘના બાળ સ્વયંસેવકોએ ‘પંચ પરિવર્તન’ (સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય) પર પ્રકાશ પાડ્યો હતો. મહામંડલેશ્વર મસ્તરામબાપુએ આશીર્વચન આપતા જણાવ્યું કે, પારિવારિક સંબંધો ગાઢ બનાવવા પરિવારે રાત્રિ ભોજન સાથે લેવું જોઈએ અને મોબાઈલ-ટીવીથી દૂર રહેવું જોઈએ. અંતમાં નિવિદ્યા સ્કૂલના બાળકોએ રાષ્ટ્રપ્રેમની નાટિકા પ્રસ્તુત કરી સૌમાં દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો.










































