૧) જૂનું તેટલું સોનુ તો નવું તે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
ચાંદી.
(૨) મોબાઈલ ફોન સારો કે લેન્ડલાઇન ફોન સારો?
રાજેશભાઈ ડણાંક (અમરેલી)
જૈસી જીસ કી સોચ.
(૩) ભજનમાં જે ભાઈઓ મંજીરા વગાડતા હોય છે તેમના લગ્ન થવામાં અડચણ કેમ ઉભી થાય છે?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
એવું કોણે કહ્યું? મેં એકપણ મંજીરવાળો કુંવારો રહી ગયો હોય એવું સાંભળ્યું નથી.
(૪) હું ફિલ્મગીત જોતો હોઉં ત્યારે ઘણીવાર કલાકારો બહુ મોટા દેખાય અને ક્યારેક નાના દેખાય છે. એનું કારણ શું હશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે ક્યારેક ટીવીમાં ગીત જોતા હશો અને ક્યારેક મોબાઈલમાં.
(૫) મારામાં બહુ જ સહનશક્તિ છે. તો મને જિંદગીમાં શું ફાયદો થશે?
રામભાઈ પટેલ (સુરત)
તમે લગ્નજીવનમાં સુખી થશો.
(૬) સાહેબ સ્ત્રી અને ઈસ્ત્રી બંને ગરમ થાય તો આ બંનેમાં ફરક શું?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ફરક શોધવા કરતા બન્ને ઠંડા પડે એવા પ્રયત્નો હાથ ધરો એ વધારે અગત્યનું છે.
(૭) સાહેબ..! ડોશીમાનો ડાબલો એટલે શું..?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ડોશીમાનાં બાબલાનો બાબલો.
(૮) પરણવા છોકરાઓ જ કેમ જાય, છોકરીઓ કેમ નહીં?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આવો સવાલ છોકરાઓને પરણી લીધા પછી જ આવે છે.
(૯) “હવે ઉઠો. ચા- ભાખરી ઠંડી થઈ જાય છે.” શિયાળાની સવારે પત્નીને આનો જવાબ તમે શું આપો છો ?
કનુભાઈ પરમાર (દામનગર)
આવો સવાલ ઉપસ્થિત જ નથી થતો. આપણે જ ચા રેડી થાય એ પહેલાં જ રેડી થઇને રસોડા સામે બેસી જવાનું!
(૧૦) કો’ક ખીજાય તો આંખોમાં આંસુ કેમ આવતા હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
ખીજાવાવાળાને ખીજાતા બંધ કરવા માટે.
(૧૧) મીઠું ખારું છે છતાં મીઠું કેમ બોલાય છે?
બાલુભાઈ કિકાણી (લીલીયા મોટા)
મીઠાને માઠું ન લાગે એટલે.
(૧૨) સાચી માનવતા કઈ છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
હું તમારા ઘેર આવું અને તમે પરાણે જમવા બેસાડી દો એ.
(૧૩) વરને રાજાનું બિરુદ કેમ મળ્યું?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
છેલ્લી ઘડીએ એ પરણવાનો વિચાર પડતો ન મૂકે એટલા માટે
(૧૪) ગુરુ અને ગોવિંદ બન્ને ઊભા હોય તો પહેલા પગે કોને લાગવું? જય દવે (ભાવનગર)
ગમે એને લાગવું પણ હાઈ હેલ્લો કહીને ભાગવું નહી.
(૧૫) પનીરટીકા અને સાયટિકા વચ્ચે શું તફાવત?
રમાબેન પટેલ (અમદાવાદ)
બાલવાટિકા અને એન્ટાર્કટિકા વચ્ચે હોય એટલો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































