અમેરિકા પર નાઈન ઈલેવનનો આતંકવાદી હુમલો થયો ત્યારે જ્યોર્જ બુશ જુનિયર અમેરિકન પ્રેસિડેન્ટ હતા. હુમલા બાદ અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા આખી દુનિયાને સંબોધીને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. એ વિધાન એ મતલબનું હતું કે આ આતંકવાદી હુમલા બાદ વિશ્વમાં આજે જે અમારી સાથે નથી એને અમે અમારી સામે ગણી લઈશું. વાત અને સંદેશ સ્પષ્ટ હતો કે જો તમે અમારી સાથે નથી તો તમને દુશ્મન તરીકે જોવામાં આવશે. આ ધમકી વિધેયાત્મક હતી. આખા વિશ્વને આતંકવાદ સામે એકજૂટ થવાની હાકલ હતી. ભારતમાં આજે કોંગ્રેસ પક્ષ એવું માનીને ચાલી રહી છે કે જે કોઈપણ કોંગ્રેસમાં નથી એ ગદ્દાર છે. કોંગ્રેસ છોડીને ગયેલા કે ઓલરેડી કોંગ્રેસની બહાર રહેલા બંને કક્ષાનો આમાં સમાવેશ થઇ જાય છે. સંસદના પરિસરમાં એક ઘટના બની ગઈ જે આ માનસિકતાની દ્યોતક છે. રવનીતસિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે, જેમની આતંકવાદી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. તેઓ પૂર્વ કોંગ્રેસી છે અને એક સમયે રાહુલ ગાંધીના નજીકના ગણવામાં આવતા હતા. હવે તેઓ ભાજપમાં છે અને રેલવે રાજ્યમંત્રી છે. બિટ્ટુ જયારે સંસદમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી પોતાના સાંસદો સાથે એ દ્વાર પર દેખાવો કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ બિટ્ટુને જોઇને કહ્યું કે “જુઓ, એક ગદ્દાર આવી રહ્યો છે. મારા ગદ્દાર મિત્ર, ચિંતા ન કરો, પાછા આવી જાઓ.” સામે બિટ્ટુએ પણ આકરો જવાબ આપતા કહ્યું કે, “આ લોકો દેશના દુશ્મન છે.” રાહુલ ગાંધીએ હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બિટ્ટુ હાથ મિલાવ્યા વગર સીધા સંસદની અંદર ચાલ્યા ગયા હતા. થોડા સેકંડની આ ઘટના દેશના વિપક્ષની અને વિપક્ષના નેતાની સામંતશાહી માનસિકતા ઉજાગર કરી ગઈ. દેશના વિપક્ષના નેતા દેશના એક કેન્દ્રીય મંત્રીને ગદ્દાર કહે એ ઘટના દેશના લોકતંત્રમાં પહેલી વખત બની છે. આ એક ઘટના થઇ.
હવે બીજી ઘટના જોઈએ. રાહુલ ગાંધીએ એક મેગેઝિનમાંથી એક કથિત અવતરણ ટાંકીને ચીનના મુદ્દા પર સરકાર પર આક્ષેપ કર્યો. એમણે દાવો કર્યો હતો કે આ નિવેદનો નરવણેના કથિત પુસ્તકનો ભાગ છે, જે હજુ સુધી પ્રકાશિત થયું નથી. એમનું માનવું છે કે ચીને ભારતની જમીન હડપ કરી લીધી છે. અ દેશની સુરક્ષાનો મુદ્દો છે. આ મેગેઝીનના અવતરણને લઈને રાહુલ ગાંધીએ ચાર દિવસ સંસદ ઠપ્પ કરી દીધી. દેશના સર્વોચ્ચ ગૃહને પોતાની એક હઠ હેઠળ બાનમાં લઇ લેવામાં આવી. જે બુકનો ઉલ્લેખ કરીને દેશની સંસદ ચાલવા દેવામાં ન આવી, એ બુકના લેખક પૂર્વ જનરલ નરવણેનું જ એક વખતનું નિવેદન છે કે એક ઇંચ પણ જમીન ગુમાવવામાં નથી આવી. આ મેગેઝીનને ટાંકીને વિપક્ષ દ્વારા વડાપ્રધાનની સમક્ષ ઘસી જઈને ઉગ્ર વિરોધ દ્વારા એમનું ભાષણ અટકાવવામાં આવ્યું. ત્રીજી ઘટના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્‌વીટ છે. ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારત અમેરિકાની શરતો પર ટ્રેડ ડીલમાં સહમત થઇ ગયું છે. હકીકત એ છે કે અમેરિકન ટેરિફ મુદ્દે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જેણે પોતાની શરતો પર અમેરિકા સાથે સમાધાન કર્યું છે, અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને એક વખત ભારત તરફથી એવો સંદેશ પાઠવી દેવામાં આવ્યો હતો કે ભારત ઝુકશે નહિ અને અમે ટ્રમ્પનો આ શાસનકાળ પૂરો થવાની રાહ જોઈ શકવા સુધીની ધીરજ ધરાવીએ છીએ. વડાપ્રધાને પણ અનેકો વખત દોહરાવ્યું છે કે કોઈપણ ટ્રેડ ડીલ કરતા ભારતનું અહિત નહિ થવા દેવામાં આવે. સરેરાશ ભારતીય વડાપ્રધાનની આ વાતમાં ભરોસો રાખે છે. ઇંગ્લેન્ડ, ઓમાન, ન્યુઝીલેન્ડ, યુરોપ અને અમેરિકા એમ પાંચ ટ્રેડ ડીલ ભારતે પાંચ મહિનાના ટૂંકા ગાળામાં કરીને આખા વિશ્વના આર્થિક જગતને અચંબામાં મૂકી દીધું છે. આજે વિશ્વના દેશો ભારતથી આકર્ષિત છે. આગળ વધવા માટે ભારતને પોતાના લાંબાગાળાના ભરોસામંદ ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે. કોંગ્રેસથી હજમ ન થાય એવી સ્થિતિ તો એ છે કે વ્યુહાત્મક વિદેશનીતિ થકી આજે રૂસ, અમેરિકા અને યુરોપ ત્રણે મહાસત્તાઓ સાથે ભારત ભાગીદાર છે.
આજે ભારતના ઘણા રાજકીય પક્ષોના મુખિયાઓ વૈચારિક દરિદ્રતાના શિકાર છે. એમની રાજકીય નિષ્ફળતાઓ ઘોર નિરાશામાં પરિણમી ચૂકી છે. દેશના વડાપ્રધાન માટે આટલી નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ પહેલા ક્યારેય થયો નથી. રાજકીય વિરોધ એક બાબત છે અને દેશહિત બીજી બાબત છે. દેશહિત આગળ અંગત ગમા-અણગમા કોરાણે હોય છે. દેશની સંસદમાં ચૂંટાઈને ગયેલા દરેક સદસ્યના પદની એક ગરિમા હોય છે. કોઈ માત્ર એટલા માટે ગદ્દાર નથી બની જતો કે એ એક વખત તમારી સાથે હતો અને આજે તમારી સામે છે.
ક્વિક નોટ – ઓમ બિરલાએ કહ્યું, “ગઈકાલે ગૃહના નેતાએ (વડાપ્રધાન) રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાનો હતો તે પહેલાં મને જાણકારી મળી કે કોંગ્રેસ પાર્ટીના અમુક સાંસદો વડાપ્રધાનના આસન પર પહોંચીને કોઈ અણધારી ઘટનાને અંજામ આપવાના છે. જો આ ઘટના બની હોત દેશની લોકતાંત્રિક પરંપરાઓ છિન્નભિન્ન થઈ ગઈ હોત.”
તેમણે આગળ ઉમેર્યું, “જેથી મેં વડાપ્રધાનને આગ્રહ કર્યો કે તેમણે ગૃહમાં ન આવવું જોઈએ. ગૃહના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી હતી કે ગૃહની ઉચ્ચ પરંપરાઓ અને ગરિમાને અક્ષુણ્ણ રાખવામાં આવે. ગૃહના નેતા ન બોલી શકે એ ક્યારેય યોગ્ય નથી. તેમણે મારી વાતનું માન રાખીને ઉપસ્થિત ન રહીને ગૃહને એક અપ્રિય ઘટનાનું સાક્ષી બનતાં અટકાવ્યું. હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું.” (‘ઓપ ઇન્ડિયા’માંથી સાદર….)