શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા ગયેલા એક પરિવાર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શેરીના કૂતરાને માર મારવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે પાંચ શખ્સોએ એકસંપ થઈ મહિલા અને તેના સંતાનોને પાઇપ તથા વાયર વડે ઢોર માર માર્યો હતો. આ અંગે ફાલ્ગુનીબેન ભાવેશભાઇ ખોરાસીયા (ઉ.વ.૨૭)એ મહેશભાઇ ચાવડા, મહેશભાઇ ચાવડાના પત્નિ, મહેશભાઇ ચાવડાનો દિકરો, અજાણ્યા ચાર માણસો તથા અજાણયો કાળો શર્ટ પહેરેલ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.ઘટનાની વિગત મુજબ, ફરિયાદીની સોસાયટીમાં રહેતો આરોપી મહેશભાઈ ચાવડા શેરીના કૂતરાને કેબલ વાયરથી નિર્દયતાપૂર્વક મારી રહ્યો હતો. આ જોઈને ફરિયાદીના માતાએ પશુને મારવાની ના પાડી હતી. આ વાત આરોપીને ન ગમતા તેણે ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શરૂ કરી હતી અને ફરિયાદી તથા તેના માતાને કેબલ વાયર વડે માર માર્યો હતો. ત્યારબાદ અન્ય તમામ આરોપીઓ પણ એકસંપ થઈ ત્યાં દોડી આવ્યા હતા. આરોપી નંબર ૩ લોખંડનો પાઇપ લઈને આવ્યો હતો. તમામ શખ્સોએ ફરિયાદી અને તેના માતાને આડેધડ માર માર્યો હતો. હુમલા દરમિયાન તેના ભાઈને પછાડી દઈને આરોપીઓએ લોખંડના પાઇપથી માર માર્યો હતો. એક આરોપીએ તેની છેડતી કરી હતી, જ્યારે અન્ય આરોપીએ તેને ઢસડી હતી અને તેનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું. આરોપીઓએ “તમને જીવતા રહેવા દેવા નથી” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહેશભાઇ જગાભાઇ ચાવડા (ઉ.વ.૫૪) એ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમના ભાઇને ત્યાંથી ટીફીન લઇને ઘરે જતા હતા ત્યારે શેરીના કૂતરાઓ તેમની પાછળ દોડતા હતા. જેથી તેમણે કૂતરા ભગાડવા વાયર કાઢ્યો હતો. આોપીએ તેમને હુ બેઠો હોય ત્યા સુધી કૂતરાઓને ભગાડાય પણ નહી તેમ કહ્યું હતું. જેથી તેઓ તેમનું ટીફીન ઘરે મુકી ફરીવાર કૂતરાઓ ભગાડવા માટે જતા આરોપીઓએ આવી તેમને તમારો ઇલાજ કરવો પડશે તેમ કહી ફટકાર્યા હતા. ઉપરાંત તેમના પત્નિના વાળ પકડી શેરીમાં પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.