ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વજયસિંહ ગોહિલના આત્મહત્યાના કેસમાં આખરે પીએસઆઈ બી.કે. ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક હેડ કોન્સ્ટેબલના પિતા નિવૃત્ત પોલીસકર્મી છે. તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, કરણી સેના દ્વારા આપવામાં આવેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટનાની વાત કરીએ તો, ગત ૨૧મી જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વજયસિંહ ગોહિલે ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૨૨ જાન્યુઆરીના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પરિવારે પીએસઆઈ બી.કે. ગોસ્વામી દ્વારા આપવામાં આવતા સતત માનસિક ત્રાસ અને હેરાનગતિને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવી ન્યાયની માંગ કરી હતી. જાકે, આ કેસ બાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ચાલી હતી.
આ અગાઉ રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ પણ પરિવારની મુલાકાત બાદ આક્ષેપ કર્યો હતો કે, પોલીસમાં ફરજ બજાવતા મજબૂત મનોબળના યુવાને જા આવું પગલું ભરવું પડ્યું હોય તો તેને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવ્યો હશે. પરિવારના મતે સતત થઈ રહેલા શોષણ અને દબાણથી કંટાળીને જ દિગ્વજયસિંહે પોતાની જિંદગી ટૂંકાવી હતી. અંતે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









































