રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે સીઆઇડી (ક્રાઈમ અને રેલવેઝ) વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હવેથી બળાત્કાર અને પોક્સો (પોસ્કો) હેઠળના તમામ ગુનાઓની તપાસ એફ.આઈ.આર. નોંધાયાના ૬૦ દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવી પડશે.
પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૩(૨) મુજબ જાતીય અપરાધોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની કાયદેસરની જવાબદારી રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ તપાસની ગુણવત્તા સુધારવાનો અને પીડિતોને ન્યાય માટે લાંબો સમય રાહ ન જાવી પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓએ આવા કેસોનું સતત રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવું. આ માટે ઇગુજકોપ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ડેટા સીધો નેશનલ પોર્ટલ આઇટીએસએસઓ પર દેખાશે. જા કોઈ અધિકારી ૬૦ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે, તો તેની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.
હવે માત્ર નિવેદનોના આધારે કેસ નહીં ચાલે, પરંતુ પોલીસ તપાસમાં પારદર્શિતા લાવવા માટે નવા કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. જે મુજબ, પુરાવા એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવી હવે ફરજિયાત રહેશે અને ૭ વર્ષથી વધુ સજા ધરાવતા ગુનાઓમાં ફોરન્સીક  નિષ્ણાતોની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટમાં કેસ મજબૂત કરવા ડિજિટલ પુરાવાઓ પર ખાસ ભાર મૂકાશે, જેથી ગુનેગારોને ઝડપથી સજા અપાવી શકાય અને પોલીસની કામગીરી વધુ વિશ્વસનીય બને.