ઉના તાલુકાના સર્વાંગી વિકાસ, સ્થાનિક યુવાનોને રોજગારની વધુ તકો તેમજ રમતગમત ક્ષેત્રે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં ઉના તાલુકામાં ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપક વિકાસ કરવા તથા સંપૂર્ણ સુવિધાઓ સાથેનું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ સ્થાપવા માટે રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉના તાલુકો વિસ્તારમાં વિશાળ છે અને અહીં મોટી સંખ્યામાં યુવાનો તથા શ્રમશક્તિ ઉપલબ્ધ છે. જોકે, હાલ તાલુકામાં ઔદ્યોગિક વિકાસના અભાવે મોટા ભાગના લોકોએ મજૂરી આધારિત રોજગાર પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે યુવાનોને પૂરતી રોજગાર તકો મળતી નથી. ધારાસભ્યએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો ઉના તાલુકામાં નાના-મોટા ઉદ્યોગો સ્થાપિત થાય તો સ્થાનિક લોકોને પોતાના જ વિસ્તારમાં રોજગાર મળશે અને બહાર થતું સ્થળાંતર અટકશે. સાથે સાથે ધારાસભ્ય કે.સી. રાઠોડે ઉના તાલુકામાં રમતગમત ક્ષેત્રે પૂરતી સુવિધાઓના અભાવ તરફ પણ સરકારનું ધ્યાન દોર્યું છે.