શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ (ગુજરાતી-મિશ્ર-અંગ્રેજી માધ્યમ) તથા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓ દ્વારા “ગિફ્‌ટ ઓફ જોય” નામની અનોખી પહેલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસે રહેલી બિનજરૂરી પરંતુ જીવનજરૂરી વધારાની ચીજ-વસ્તુઓ જેવી કે જૂના કપડાં, પુસ્તકો, બૂટ, ચપ્પલ, સ્ટેશનરી વગેરે અન્ય જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી બને તેવા ઉમદા હેતુથી કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નાનપણથી શિક્ષણ અને સંસ્કાર સાથે દયાભાવ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવાની પ્રેરણા સાથે શ્રેષ્ઠ ઘડતર થાય તેવો હતો. બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને ખુશીથી જરૂરિયાતમંદ બાળકોને ચીજવસ્તુઓ વિતરણ કરી હતી. આ આયોજનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, “જરૂરિયાતમંદને મદદ કરવી એ શિક્ષણનો સર્વોત્તમ પાઠ છે.”