મેઘાલયના પ્રખ્યાત રાજકારણી અને ૪ વખતના મુખ્યમંત્રી ડોનવા થેથવેલ્સન લાપાંગ, જેમને પ્રેમથી ‘માહે’ કહેવામાં આવે છે, તેમનું શિલોંગની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ ૯૩ વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની એમિથિસ્ટ લિન્ડા જાન્સ બ્લાહ અને ૨ બાળકો છે. મેઘાલય સરકારે સોમવારે તેમના માનમાં રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે.
લાપાંગનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમણે ૧૯૭૨ માં નોંગપોહ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીતીને પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. આ પછી, તેમણે ૧૯૯૨ થી ૨૦૧૦ સુધી ચાર વખત મેઘાલયના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ કોંગ્રેસ પાર્ટીના વફાદાર નેતા રહ્યા, પરંતુ ૨૦૧૮ માં તેઓ નેશનલ પીપલ્સ પાર્ટીમાં જાડાયા. તાજેતરના સમયમાં, તેઓ મેઘાલય સરકારના મુખ્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. ૧૯૯૨ માં અસ્તીત્વમાં આવેલા રી-ભોઈ જિલ્લાની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પણ લપાંગને યાદ કરવામાં આવે છે.
લપાંગનું બાળપણ ખૂબ જ સરળ હતું. તેમણે તેમની માતાને ચાની દુકાન ચલાવવામાં મદદ કરી અને મજૂર, શિક્ષક અને સરકારી કર્મચારી તરીકે પણ કામ કર્યું. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને લાંબી અને શાનદાર કારકિર્દી બનાવી. જ્યારે લપાંગનું અવસાન થયું, ત્યારે ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વિન્સેન્ટ એચ. પાલા હોસ્પિટલમાં હાજર હતા. તેમના મૃત્યુના સમાચાર ફેલાતાં જ, નેતાઓથી લઈને સામાન્ય લોકો સુધી, તમામ વર્ગના લોકો હોસ્પિટલ અને બાદમાં નોંગપોહમાં તેમના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. લપાંગને અંતિમ વિદાય આપવા માટે, સોમવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે રાજ્યના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.








































