સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અલગ અલગ જગ્યાએથી એક યુવકનું કપાયેલું માથું અને ધડ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ લસકાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, વિપુલનગરમાં એક ખુલ્લા વિસ્તારમાંથી એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી,અને થોડા અંતરે આવેલા એક રૂમમાંથી લાશનું ધડ પણ મળી આવ્યું હતું. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભય અને આઘાતનો માહોલ છે. પોલીસે લાશની ઓળખ માટે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી યુવકની ઓળખ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ ઘટનાને હત્યા માનવામાં આવી રહી છે, અને પોલીસ આ ઘટનાના કારણો અને ગુનેગારોની શોધ કરી રહી છે.









































