પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોન ધવલ પંડ્યાએ અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાની મુલાકાત લઈને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે સ્વચ્છતા, અતિક્રમણ દૂર કરવા અને પ્રોજેક્ટની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવા તંત્રને સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડમ્પ સાઇટ, શાકમાર્કેટ બિલ્ડીંગ, અમૃત ૨.૦ યોજનામાં
બગીચા તેમજ આઇકોનિક રોડ યોજનાની સાઇટની મુલાકાત લીધી હતી. આઇકોનિક રોડ યોજના હેઠળ ચલાલા બસ સ્ટેન્ડથી અમરેલી રોડના નવીનીકરણના કામમાં ભીંતચિત્રો, વૃક્ષારોપણ, ડસ્ટ બિન, સાઈન બોર્ડ, સ્ટ્રીટલાઇટ, હાઈમાસ્ટ લાઇટ, સીસીટીવી કેમેરા વગેરે કામોનું આયોજન કરવામાં આવેલ છે, આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તાયુક્ત કરવા જણાવ્યું હતું. સુએજ પ્લાન્ટમાં ગંદા પાણીના મોનીટરીંગ પર ભાર મૂક્યો અને ગટર જોડાણમાં બાકી રહેલી મિલકતોને તાત્કાલિક જોડવા સૂચવ્યું હતું. શાકમાર્કેટ તાત્કાલિક જનતા માટે ખુલ્લી મૂકવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે બગીચામાં હરિયાળી વધારવા, રોડ નવીનીકરણમાં ગુણવત્તા જાળવવા અને પીવાના પાણીના પ્લાન્ટનું રિનોવેશન ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી.









































