અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ (AHTU) અને પોલીસે ગુનાખોરી ડામવા અને ગુમ થયેલા બાળકોને શોધવાની ખાસ ઝુંબેશ અંતર્ગત એક પ્રશંસનીય અને અત્યંત સંવેદનશીલ કામગીરી કરી છે. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા અપહરણ અને પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળના એક કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા ૧૨ વર્ષથી વધુ સમયથી અન-ડીટેક્ટ, બ્લાઇન્ડ અને અજાણ્યા આરોપીવાળા આ અતિસંવેદનશીલ કેસને ઉકેલવા પોલીસ ટીમ સતત કાર્યરત હતી.આ દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નીકલ સોર્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વસ્તી ગણતરી કરનાર શિક્ષક સ્ટાફ તરીકે ઓળખ છુપાવીને તપાસ હાથ ધરી હતી. ત્યાં ખાતરી કર્યા બાદ, પોલીસે આરોપી સંજય રાજુભાઇ દેત્રોજા (ઉં.વ. ૩૩) ને ઝડપી પાડ્યો છે અને તેની કસ્ટડીમાંથી ભોગબનનાર સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






































