અમરેલીના હર્ષ મુકેશભાઈ સંઘાણીએ ભારતનું ગૌરવ વધારતી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.
ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ની વૈશ્વિક યુવા સમિતિના પ્રમુખપદે તેમની બિનહરીફ વરણી થઈ છે. પનામા ખાતે યોજાયેલી ICA વૈશ્વિક પરિષદ અને સામાન્ય સભા-૨૦૨૬માં વિશ્વના ૧૦૦થી વધુ દેશોના સહકારી ચળવળના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને આ જવાબદારી ફરી સોંપી છે. અગાઉ ૩ જુલાઈ, ૨૦૨૫ના રોજ માન્ચેસ્ટર ખાતે યોજાયેલી ચૂંટણીમાં હર્ષ સંઘાણી આ પદ પર ચૂંટાનારા પ્રથમ એશિયન બન્યા હતા. ઉપરાંત, માત્ર ૨૦ વર્ષની વયે ICAના બોર્ડ મેમ્બર બનનારા તેઓ સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા. હવે બિનહરીફ પુનઃચૂંટણીથી તેમના વૈશ્વિક નેતૃત્વ પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. આ સિદ્ધિને લઈને અમરેલીમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.