લીલીયા વિસ્તારના નાગરિકોની લાંબા સમયની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઈને, સાવરકુંડલા-લીલીયા-અમદાવાદ (કૃષ્ણનગર) નવી એસ.ટી. બસ સેવાનો ૧ જૂનના રોજ વહેલી સવારે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે આ રૂટ મંજૂર થતાં સમગ્ર પંથકના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વહેલી સવારે એસ.ટી. બસ લીલીયા મુકામે આવી પહોંચતા, તાલુકા ભાજપના મહામંત્રી ગૌતમભાઈ વિછીયા સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, સ્થાનિક વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને બસને લીલી ઝંડી આપી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ સેવા દરરોજ વહેલી સવારે ૦૬ઃ૦૦ કલાકે સાવરકુંડલાથી ઉપડી વાયા લીલીયા મોટા, દામનગર, ઢસા અને બોટાદ થઈને અમદાવાદ પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે કૃષ્ણનગરથી બપોરે ૦૨ઃ૦૦ કલાકે રવાના થઈને રાત્રે ૦૯ઃ૩૫ મિનિટે સાવરકુંડલા પરત ફરશે. આ બસ શરૂ થવાથી રોજગારી, શિક્ષણ, ડાયમંડના વ્યવસાય અને આરોગ્યના કામ અર્થે અમદાવાદ જતા લોકોને સીધી, સસ્તી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળી રહેશે.