સાવરકુંડલા શહેરના નેસડી રોડથી જૈન બોર્ડિંગ તરફ જતો ‘કાપેલ ધાર’ રસ્તો છેલ્લા ત્રણેક મહિનાથી નવીનીકરણના નામે બંધ હાલતમાં છે. વિકાસની વાતો વચ્ચે આ વિસ્તારના વેપારીઓ માટે આ રસ્તો જાણે આર્થિક પાયમાલીનો માર્ગ બની ગયો છે. ખોદકામ કરીને છોડી દેવાયેલા રસ્તાને કારણે વેપારીઓના ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. સામાન્ય રીતે કોઈપણ રસ્તાનું કામ શરૂ કરતા પહેલા ગટર લાઈન, પાણીની પાઈપલાઈન અને કેબલ નેટવર્કનું આગવું મેનેજમેન્ટ હોવું અનિવાર્ય છે. પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ છે. રેતી, મજૂર કે મટીરિયલની અછતના બહાના હેઠળ મહિનાઓ સુધી કામ લંબાવવું એ કેટલે અંશે વ્યાજબી છે? શું તંત્ર પાસે આટલા નાના કામ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી? તેવા પ્રશ્નો સ્થાનિકો પૂછી રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, રસ્તો બંધ હોવાથી ગ્રાહકોની અવરજવર શૂન્ય જેવી થઈ ગઈ છે. વેપારીઓ સવારે આશા સાથે દુકાને આવે છે, ભગવાનની સેવા-પૂજા અને ધૂપ-દીપ કરે છે, પછી દુકાન વધાવી ઘરે પરત ફરે છે.!! આ દ્રશ્યો વિકાસના માપદંડ નહીં પણ તંત્રની નિષ્ફળતાના પ્રતીક સમાન જ ગણાય.










































