સાવરકુંડલા તાલુકાના ધાર ગામના ૫૪ જેટલા ખેડૂત ખાતેદારો રસ્તાના પ્રશ્ને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધાર ગામથી કેરાળા જવાના માર્ગ પર આવેલી આશરે ૪૫૦ વીઘા ખેતીની જમીન સુધી પહોંચવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતો રાજાશાહી સમયનો ગાડા માર્ગ છેલ્લા સાત-આઠ મહિનાથી દબાણના કારણે બંધ થઈ ગયો છે. આ મુખ્ય માર્ગ બંધ થતાં ખેડૂતો માટે ખેતરે આવન-જાવન કરવું તેમજ ખેતીકામ કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. સ્થાનિક ખેડૂતો હરેશભાઈ શિરોયા અને વિનુભાઈના જણાવ્યા મુજબ સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે અને ભવિષ્યમાં હિજરત કરવાની નોબત આવી શકે છે. ગામના સરપંચ હંસાબેન કાકડિયાએ પણ ખેડૂતોની આ માંગને સમર્થન આપીને તંત્રને ૧૫ દિવસમાં તપાસ કરી રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું છે. બીજી તરફ ઇન્ચાર્જ મામલતદાર શૈલેષ લેવાએ આ મામલે યોગ્ય માપણી કરાવીને નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે. સરકારના દબાણ હટાવવાના દાવાઓ વચ્ચે ખેડૂતો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.