ડિજિટલ યુગમાં ઈ-મેઈલનો ઉપયોગ વેપાર, બેંકિંગ અને દૈનિક સંચાર માટે ખૂબ વધી ગયો છે. પરંતુ આ સાથે સાયબર ગુનેગારો પણ નવી-નવી રીતો શોધી રહ્યા છે. તાજેતરમાં બહાર આવેલા એક કિસ્સામાં આરોપીઓએ લાંબા સમયથી બંધ પડેલા અથવા ઉપયોગમાં ન રહેલા ઈ-મેઈલ આઈડીને ફરી સક્રિય કરીને તેનો ઉપયોગ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવા જેવા ગંભીર કૃત્યમાં કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટને તથા અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેનાથી પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ હતી.આખરે આ ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમને સફળતા મળી છે.પોલીસ તપાસમાં પકડાયેલ સૌરવ ઉર્ફે માઈકલ સૂર્યા બિશ્વાસને પશ્ચિમ બંગાળના ગોપાલનગર જિલ્લામાંથી પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી ચોંકાવનારો ખુલાશો થયો છે.તેની પાસે હેક કરાયેલા ૨૦૦ થી વધુ એ-મેઈલ હતા જેમાં દેશમાં અને દેશની બહાર વર્ષોથી બંધ પડેલા ઈ -મેઇલ આઈડી રિકવર કરીને તેનું વેચાણ કરતા હતા.આવા એ-મેઈલ ના માધ્યમથી સક્રિય સાયબર ગેંગ દ્વારા ડરનો માહોલ ઉભો કરવા આ ઈ-મેઈલ આઈડી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુનેગારો કેવી રીતે કરે છે દુરુપયોગ?
લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતા ઈ-મેઈલ એકાઉન્ટ હેક અથવા રિકવર કરવાનો પ્રયાસ કરે છે,પછી તે એકાઉન્ટમાંથી ઠગાઈના મેસેજ અથવા ઈ-મેઈલ મોકલે છે.લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે જૂના સંપર્કોને મેસેજ મોકલવામાં આવે છે.ક્યારેક પૈસા માંગતા મેસેજ અથવા ખોટા ઈન્વોઈસ પણ મોકલવામાં આવે છે.આ રીતે સામાન્ય લાગતો એક જૂનો ઈ-મેઈલ આઈડી પણ સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાઈ શકે છે.
આ ખતરાથી કેવી રીતે બચી શકાય?
લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તો ઈ-મેઈલ એકાઉન્ટ ડિલીટ અથવા સુરક્ષિત રાખવું
દરેક ઈ-મેઈલ માટે મજબૂત પાસવર્ડ રાખવો
ટુ ફેકટર ઓથોટેકીએકશન (૨એફએ)ચાલુ કરવું
શંકાસ્પદ ઈ-મેઈલ આવે તો તેની સાચી ખાતરી કર્યા વગર જવાબ ન આપવો
કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ જણાય તો તરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવી
જનજાગૃતિ ખૂબ જરૂરી
સ્માર્ટ ફોન લેતી વખતે પણ ઈ-મેઈલથી લોગીન કરવા માટે અથવા ટેમ્પરરી કામકાજ માટે ઈ-મેઈલ બનાવવામાં આવતા હોય છે પછી તેના પાસવર્ડ ભૂલી જવાથી નવા ઈ-મેઈલ બનાવવામાં આવતા હોય છે.આવા ભુલાઈ ગયેલા ઈ-મેઈલ કોઈ વખત મોટી આફત પણ બની શકે છે. ઉપયોગમાં ન હોય બંધ પડેલા અથવા જૂના ઈ-મેઈલ એકાઉન્ટનો ઉપયોગ થવાથીઃ લોકો આઈડી ઓળખીતું હોવાથી વિશ્વાસ કરી લે છે.ઘણા લોકોને ખબર પણ નથી પડતી કે તેમની જૂની આઈડીનો કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે.આ રીતે મોટા પાયે સાયબર ફ્રોડ થઈ શકે છે.સાયબર ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે અને ગુનેગારો નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેથી દરેક નાગરિકે પોતાની ડિજિટલ સુરક્ષા અંગે સાવચેત રહેવું અને અન્ય લોકોને પણ જાગૃત કરવું જરૂરી છે. “સાવચેતી એ જ સલામતી”