શેલણા ગામ પાસે નદીના પુલ નજીક શંકાસ્પદ આઈસર ટ્રકને આંતરીને ૬ ભેંસ અને ૧ પાડાને ક્રૂરતામાંથી મુક્ત કરાવી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. વંડા વિસ્તારમાં છેલ્લા આઠેક દિવસથી જીવદયા પ્રેમીઓને બાતમી મળી રહી હતી કે રાત્રિના સમયે અજાણ્યા ટ્રકોમાં મૂંગા પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવે છે. આ દરમિયાન શનિવારે એક આઈસર ટ્રક વંડાથી પસાર થઈ રહ્યો હતો, જેના પર તાડપત્રી બાંધેલી હોવાથી જીવદયા પ્રેમીઓને શંકા ગઈ હતી. શંકાસ્પદ ટ્રકનો જીવદયા પ્રેમીઓએ પીછો કર્યો હતો અને અંતે શેલણા ગામે શેલ નદીના પુલ પાસે તેને પકડી પાડ્યો હતો. ટ્રકની તલાશી લેતા અંદરનું દ્રશ્ય અત્યંત કરુણ હતું. ટ્રકમાં ૬ ભેંસ અને ૧ પાડાને અત્યંત ટૂંકા દોરડા વડે હલનચલન ન કરી શકે તે રીતે ખીચોખીચ બાંધવામાં આવ્યા હતા. પશુઓ માટે ઘાસચારા કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેની પાસે પશુઓની હેરફેર કે વેચાણ માટેની કોઈ સક્ષમ અધિકારીની પાસ-પરમિટ મળી આવી નહોતી. આ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાની શંકા દ્રઢ થતા તુરંત જ ૧૧૨ ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. ૧૧૨ ની ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પશુઓ ભરેલા આઈસર ટ્રકને વંડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે તમામ ૭ પશુઓને અમરેલી પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપવા તજવીજ કરી હતી. હાલમાં આ મામલે પશુઓના માલિક, ટ્રક માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








































