જેના જીવનમાં જિજ્ઞાસા નથી તે માણસ પોતાના માટે અને દેશ કે સંસ્કૃતિ માટે કંઈ કરી શકતો નથી. થોડા વર્ષો પહેલાની વાત છે. સૂર્યોદય થતા જ બધા બાળકો અભ્યાસ માટે આશ્રમમાં આવી ગયા હતા. થોડા જ સમયમાં આશ્રમના ગુરુજી પણ આવી ગયા. બધા જ બાળકો ગુરુજી આવ્યા એટલે તેમણે વંદન કરીને નીચે બેઠા. ત્યારબાદ બાળકોને લાગ્યું કે હવે ગુરુજી કંઈક ભણાવવાનું ચાલુ કરશે. પણ આજે ગુરુજીએ અભ્યાસ માટેનું પુસ્તક ન ખોલતા બાળકોને એક પ્રશ્ન પૂછ્યો અને બાળકોને કહ્યું આજે તમને હું જે પ્રશ્ન પૂછું છુ. તમે એનો જવાબ આપજો. બધાજ વિદ્યાર્થીઓએ હા પાડી. ગુરુજી એ પૂછ્યું, બોલો આજે તમે આશ્રમમાં શુ શુ લઈને આવ્યા છો. બધા બાળકો વિચાર માં પડી ગયા. થોડું વિચાર્યા બાદ એક બાળક ઉભું થયું. અને કહે હું દફતર લઈને આવ્યો છું. ત્યાર બાદ બીજો વિદ્યાર્થી ઉભો થયો અને કહે હું પણ દફતર લઈને આવ્યો છું. ત્રીજો વિદ્યાર્થી કહે હું નાસ્તો લાઈને આવ્યો છું. આમ દરેક વિદ્યાર્થીએ જુદા જુદા જવાબ આપ્યા. જવાબ સાંભળીને ગુરુજી નિરાશ થઈ ગયા. બાળકોએ પૂછ્યું શુ થયું ગુરુજી. ત્યાર બાદ ગુરુજી સ્વસ્થ થઈને કહે છે. વિદ્યાર્થીઓ તમે જે જવાબ આપ્યો તે બરાબર છે. પણ તમારે શાળામાં જે લઈને આવવું જોઈએ તે તો તમે લઈને જ નથી આવ્યા. પછી તમે શું કરી શકવાના? બાળકો કહે શું લઈને નથી આવ્યા. ત્યારે ગુરુજીએ કહ્યું એક માનવ થઇ શિક્ષા મેળવતા પહેલા માનવ જીવનનું મૂલ્ય શું છે તે જાણવા એક પ્રથમ ઘટના સાંભળો.એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.” યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ. એમણે પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી. વેપારીએ મોઢું બગાડીને કહ્યું, “આવા નાના પાણાના તે કંઈ બે રૂપિયા હોતા હશે ?”છોકરાએ ઘરે આવીને એના પપ્પાને બધી વાત કરી. પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટીક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો. છોકરાએ જૂની પૂરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો. યુવાને પોતાની બે આંગળી બતાવી. વેપારીએ કહ્યું, “બે હજાર રૂપિયામાં મને કોઈ વાંધો નથી”છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી. પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો. યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેંચવાની ઈચ્છા દર્શાવી. ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ એના મુનિમને કહ્યું, “આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઇ લો” યુવાનને ખૂબ આશ્વર્ય થયું. કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા. પિતાજીએ કહ્યું,”બેટા, માનવજીવનનું પણ આ પથ્થર જેવું જ છે. કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના પોતાના હાથની વાત હોય છે. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો ? તમે અમીર છો કે ગરીબ? રૂપાળા છો કે કાળા ? આ કોઈ વાતો મહત્વની નથી. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો. મિત્રો, આપણો સંગ આપણું મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. માટે પ્રથમ શિક્ષા પ્રાપ્ત કરવા માટે જરૂરી છે જિજ્ઞાસા’. એટલે કે જાણવાની વૃત્તિ. બાળકો સાંભળતા હતા અને ગુરુજી બોલતા જ જતા હતા. તે કહે છે કે વિદ્યાર્થીઓ એક સમયે તમે દફતર, ટિફિન આ બધું જ ભૂલીને આવશો તો ચાલી જશે. જાણવાની વૃત્તિ જ નહીં લઈને આવો તો તમે દેશ અને
સંસ્કૃતિ માટે કંઈ કરી શકવાના નથી. પ્રાચીન યુગમાં વિદ્યાર્થીને દફતર એવું કશુ હતું જ નહીં. પણ તેમનામાં જિજ્ઞાસા વૃત્તિ ખુબજ હતી. માટે તેઓ દેશ માટે કઈ કરી શક્યા છે. અને સંસ્કૃતિના નિર્માણ માટે પોતાનું યોગદાન આપી શક્યા છે. તેની સામે આજે ભાર વિનાનું ભણતર હોય અને જિજ્ઞાસા વૃત્તિ નિર્માણ થાય એવું શિક્ષણ જ ના હોય તો એક સુરાજ્ય નિર્માણ થઈ જ ના શકે. ઉત્તમ જીવન આદર્શ રાષ્ટ્ર અને સુસંસ્કૃતિ માટે જીવન માં જિજ્ઞાસાવૃત્તિની ખુબજ જરૂર છે. આવો સૌ ભારતને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ.