હનુમાન દાદા જ એકમાત્ર એવા દેવ છે, જેમના કારણે ત્રણેય લોકની કોઈ પણ શક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતી નથી. ઋષિ-મુનિઓ, દેવો અને માનવજાતના રક્ષક એવા હનુમાન દાદાથી સૃષ્ટિમાં કોઇ મોટું કોઈ નથી. દાદા પરમ બ્રહ્મચારી અને દેવ સમાન છે. તો ચાલો આગામી હનુમાન જયંતીના પાવન પ્રસંગે ભારતભરના ૧૧ ઐતિહાસિક અને ચમત્કારિક હનુમાન દાદાના મંદિરોના દર્શને…
(૧) બડે હનુમાન ( અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ ):
અલ્હાબાદ કિલ્લા પાસે આવેલું આ મંદિર નાનું પણ પ્રાચીન છે, જેમાં હનુમાનજીની મૂર્તિ છે. આખા ભારતમાં આ એકમાત્ર મંદિર છે જેમાં હનુમાનજીની મૂર્તિ સુતેલી મુદ્રામાં છે. અહીં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ ૨૦ ફૂટ ઊંચી છે. જ્યારે ચોમાસામાં પૂર આવે છે, ત્યારે આખી જગ્યા પાણીમાં ડૂબી જાય છે ત્યારે પણ હનુમાનજીની મૂર્તિને બીજે ક્યાંક લઈ જઈને સુરક્ષિત રખાય છે. પૂર શમી જાય પછી આ પ્રતિમાને પાછી અહીં લવાય છે.
હનુમાન મંદિર સંગમ અને કિલ્લાની નજીક પ્રયાગરાજમાં ગંગા-યમુનાના કિનારે બડે હનુમાનજી મંદિરના નામથી જાણીતું છે. સંગમ શહેરમાં તેઓ બડે હનુમાનજી, કિલ્લા વાલે હનુમાનજી, બિછાવેલા હનુમાનજી અને દામવાલે હનુમાનજીના નામે ઓળખાય છે. બીજો હાથ બીજા રાક્ષસને દબાવવાની સ્થિતિમાં છે. આ એકમાત્ર એવું મંદિર છે જેમાં હનુમાનજી સુતેલી મુદ્રામાં છે. અહીં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા ૨૦ ફૂટ ઊંચી છે. આ મંદિર હિન્દુઓ માટે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. દર મંગળવાર અને શનિવારે અહીં ભારે ભીડ જામે છે. સંગમમાં સ્નાન કરનારા ભક્તો અહીંના દર્શન કરવાનું ભૂલતા નથી. કહેવાય છે કે ગંગાનું પાણી ભગવાન હનુમાનજીને સ્પર્શે છે, ત્યાર બાદ ગંગાનું પાણી ઓછું થઈ જાય છે.
જ્યારે ગંગા અને યમુના નદીમાં પાણી વધી જાય છે ત્યારે આ દ્રશ્ય જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. હનુમાનજીની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે, જે મંદિરથી ૮.૧૦ ફૂટ નીચે છે.
(૨) ગિરજાબંધ હનુમાન મંદિર ( રતનપુર, છત્તીસગઢ ):
છત્તીસગઢના બિલાસપુરથી ૨૫ કિમીના અંતરે રતનપુરમાં મા મહામાયા દેવી અને ગિરજાબંધ હનુમાનજીનું મંદિર આવેલા છે. રતનપુરને મહામાયા શહેર પણ કહે છે. દુનિયાનું એકમાત્ર મંદિર એવું છે કે અહીં હનુમાન દાદા સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર પાછળ ઘણી દંતકથા છે. સમગ્ર દુનિયામાં એકમાત્ર આ જ એવું મંદિર છે, જ્યાં હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે. રતનપુરના ગિરજાબંધમાં હાજર આ મંદિરમાં ‘દેવી’ હનુમાનની મૂર્તિ છે. આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ આસ્થા છે. એવું મનાય છે કે, કોઈ પણ વ્યક્તિ અહીં પૂજા-અર્ચના કરે તો તેની મનોકામના પૂરી થાય છે.
(૩) હનુમાનગઢી ( અયોધ્યા, ઉત્તર પ્રદેશ ):
અયોધ્યામાં આવેલું સૌથી પ્રાચીન આ મંદિર સરયુ નદીના જમણા કિનારે ઊંચા ટેકરા પર આવેલું છે. અહીં પહોંચવા લગભગ ૭૦-૭૫ સીડીઓ ચઢવી પડે છે. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ માત્ર ૬ ઈંચ જ ઉંચી છે, જે હંમેશાં ફૂલોની માળાથી શોભી રહે છે. હનુમાનગઢીને ભગવાન બજરંગબલીનું ઘર પણ કહે છે. આ મંદિરની ચારે બાજુ સાધુ-સંતોના નિવાસ્થાન છે. આ મંદિરની સ્થાપના ૩૦૦ વર્ષ પહેલાં સ્વામી અભયારામદાસજીના આદેશાનુસાર સિરાઝ-ઉદ-દ્દૌલાએ કરી હતી. હનુમાનગઢીની દક્ષિણે સુગ્રીવ ટીલા અને અંગદ ટીલા છે. આ મંદિરની તમામ દીવાલો પર હનુમાન ચાલીસા અને ચોપાઈઓ લખેલી છે.
આ મંદિર વિશેની પ્રચલિત માન્યતા છે કે, લંકાથી પાછા ફર્યા બાદ ભગવાન રામે પોતાના પ્રિય ભક્ત હનુમાનજીને રહેવા માટે આ સ્થળ આપ્યું હતું. તેથી અયોધ્યા આવતાં પહેલાં હનુમાનગઢીમાં હનુમાન દાદાના દર્શન અચૂક કરવા જોઈએ. અથર્વવેદ અનુસાર, ભગવાન રામે હનુમાનજીને આ મંદિર આપીને કહ્યું કે, કોઇ પણ ભક્ત જ્યારે અયોધ્યા આવશે ત્યારે તે સૌપ્રથમ હનુમાનજીના દર્શન કરશે. જેથી એવું મનાય છે કે, હનુમાનજી અહીં દરેક સમયે હાજર રહે છે અને ભગવાન રામના આદેશાનુસાર અયોધ્યાનો કાર્યભાર સંભાળે છે.
હનુમાન ગઢીમાં હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીંયા દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં આવીને હનુમાનજીને લાલ ઝભ્ભો અર્પણ કરવાથી દરેક પ્રકારના દોષથી મુક્તિ મળે છે. હનુમાનજીની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે અયોધ્યાની સરયૂ નદીમાં પોતાના પાપ ધોતાં પહેલાં હનુમાનજીની પરવાનગી લેવી પડે છે. અયોધ્યાના સિદ્ધ પીઠ હનુમાનગઢી મંદિરમાં ગુપ્ત પૂજા પણ કરાય છે, તેનું રહસ્ય પણ ગુપ્ત છે. આ પૂજા પરોઢે ૩ વાગ્યે શરૂ કરાય છે. કહેવાય છે કે આ પૂજા દરમિયાન બજરંગબલી ભક્તોને સાક્ષાત દર્શન આપે છે.
(૪) સંકટમોચન મંદિર ( વારાણસી, ઉત્તર પ્રદેશ ):
આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું છે. આ મંદિરની આસપાસ એક નાનું જંગલ છે, એવું મનાય છે કે હનુમાનજીની આ મૂર્તિ સ્વયં નિર્મિત મૂર્તિ છે જે ગોસ્વામી તુલસીદાસની તપસ્યા અને પુણ્યને કારણે પ્રગટ થઈ હતી. તુલસીદાસજીએ રામચરિત માનસના અમુક અંશ અહીં બેસીને લખ્યા હતા. આ મૂર્તિમાં હનુમાનજી જમણા હાથથી ભક્તોને અભયદાન કરી રહ્યા છે અને ડાબો હાથ તેમના હૃદય પર મૂકેલો છે. શ્રી સંકટમોચન હનુમાન મંદિર પાસે જ ભગવાન શ્રી નૃસિંહનું મંદિર પણ આવેલું છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમે હનુમાન જયંતી ધામધૂમથી ઊજવાય છે એ વખતે મોટો મેળો પણ ભરાય છે.