વસ્ત્રપુરમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી ૬૬ વર્ષીય મહિલા સાથે ઓસ્ટ્રીએયયાની વર્ક પરમિટ વિઝાના નામે રૂપિયા ૩૦.૯૪ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજુલબહેન ઉપાધ્યાયે મુંબઈની ઓરા એમ ઓવરસિઝ કન્સલ્ટન્સીના માલિક આકાશ પરમાર અને તેના બે પાર્ટનર જય રાવલ તથા દિવ્યેશ પટેલ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૫માં રાજુલબહેને પોતાના પાંચ ગ્રાહકોના ઓસ્ત્રિયાના વર્ક પરમિટ વિઝાનું કામ મુંબઈની એજન્સીને સોંપ્યું હતું. આ માટે ૧૧ જાન્યુઆરી ૨૦૨૫થી અલગ-અલગ સમયે બેન્ક ટ્રાન્સફર, ઓનલાઈન અને રોકડ મળી કુલ રૂપિયા ૩૦,૯૪,૪૨૦ ચૂકવવામાં આવ્યા હતા.
જોકે એજન્સી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજામાં ખામી હોવાના કારણે એમ્બેસીએ જુલાઈ અને ઓક્ટોબર ૨૦૨૫માં બે અરજી નામંજૂર કરી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ ગ્રાહકો માટે પણ માત્ર ઓફર લેટર આપવામાં આવ્યા બાદ વિઝાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી ન હતી. કામ પૂર્ણ ન થતાં રાજુલબહેને આરોપીઓ પાસે રકમ પરત માગી હતી. જોકે વારંવારની માગણી છતાં રૂપિયા પરત ન મળતાં અને સંતોષકારક જવાબ ન મળતાં અંતે વસ્ત્રપુર પોલીસમાં ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.