વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામ પાસે ચાલી રહેલા પુલનું નિર્માણ કાર્ય ફરી વિવાદમાં આવ્યું છે. મીડિયા અહેવાલો બાદ રાતોરાત શરૂ કરાયેલા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્‌યા છે. પુલની સુરક્ષા માટે તાજેતરમાં બનેલી નવી RCC દીવાલ સુકાય તે પહેલાં જ તેમાંથી સિમેન્ટ અને કાકરીઓ ખરવા લાગતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ચોમાસું નજીક હોવાથી આ નબળું કામ લોકોના જીવ માટે જોખમી બની શકે છે.આ બેદરકારી સામે આવતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી એમ.એમ.ચાવડાએ એક્શન લઈ નબળી દીવાલને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જોકે, ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો દીવાલ આટલી નબળી હોય, તો આખા પુલની ગુણવત્તા કેવી હશે? ભ્રષ્ટાચારની આશંકા હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ન લેવાતા તંત્ર સામે પ્રશ્નો ઉઠ્‌યા છે. હાલ ગ્રામજનો આ કામની ઉચ્ચ સ્તરીય તપાસ અને વહેલી તકે ગુણવત્તાયુક્ત પુલ બને તેવી માંગ કરી રહ્યા છે.