અમરેલી જિલ્લાના લીલીયા-દામનગર વચ્ચે આજે ૨૨ ઓક્ટોબરની વહેલી સવારે રેલવે પાટા પર સિંહનો ટ્રેન સાથે અકસ્માત સર્જાતાં વન વિભાગ દોડતું થયું હતું. પીપાવાવ બંદરથી ઢસા તરફ જઈ રહેલી માલગાડીએ સિંહને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે માલગાડીને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી.
ઘટનાસ્થળે રેલવે પાટા પરથી સિંહનું પૂંછડું અને રૂંવાટી મળી આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સિંહ મળી આવ્યો નથી. સિંહ ઘાયલ થયો છે કે તેનું મૃત્યુ થયું છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. આથી સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.બીજી તરફ, રેલવે પાટા પર સિંહોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જે વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે ત્યાં સિંહોનો વસવાટ પ્રમાણમાં ઓછો હોવા છતાં તેમની સુરક્ષા માટે રેલવે પાટા પર ખાસ દેખરેખ રાખતા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા નથી. પરિણામે આ વિસ્તાર સિંહો માટે જોખમી બની રહ્યો હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે.સિંહપ્રેમી વિપુલ લહેરીએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દેશનું ગૌરવ ગણાતા સિંહોની સુરક્ષા માટે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. લાઠી–દામનગર વિસ્તારના રેલવે પાટા પર સુરક્ષા વધારીને વધુ કર્મચારીઓ તહેનાત કરવા જોઈએ. રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે કરવામાં આવતી વ્યવસ્થાની જેમ અહીં પણ સિંહો પાટા પર ન આવે તે માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે.