પહેલી નજરે જુઓ તો શ્રૃહદ ગોસ્વામી નામ પણ કંઈક અલગ છે. જ્યાં ત્યાં જોવા મળતું નામ નથી. રીવા નામ ભલે જાણીતું હોય પણ રાછ અટક જ્યાં ત્યાં જોવા મળતી નથી. રિવા રાછ કહો તો એ પણ એક્સક્લુઝિવ બની જાય. આ બંનેની જોડી માત્ર નામ પૂરતી એક્સક્લુઝિવ નથી એમનો અભિનય પણ એક્સક્લુઝિવ છે. બંનેની સ્ટાઈલ પણ એક્સક્લુઝિવ છે કારણ કે એમણે કોઈ સ્ટાઈલવેડા નથી કર્યા. બધું જ નોર્મલ નોર્મલ નોર્મલ. અને એટલે જ લાલો મૂવી એક્સ્ટ્રા-નોર્મલ બની છે. હા, કરણ જોશી એ એક ચિલાચાલુ નામ છે પરંતુ એનો અભિનય જરા પણ ચીલાચાલુ નથી. નહિતર અંકિત સખિયા દિગ્દર્શિત મૂવી ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ જોતાં આમ કશું ન લાગે કે આમાં કશુંક નવીન છે. પણ નવીન એ છે કે કશિક નવીનતા લાવવાના નામે દિગ્દર્શકે સહજતા સાથે બાંધછોડ નથી કરી.
ફિલ્મ એક્સ્ટ્રા નોર્મલ એટલા માટે બની છે કે ફિલ્મનો હીરો જરા પણ એક્સ્ટ્રા નોર્મલ બનવાની કોશિશ કરતો નથી. અથવા તો દિગ્દર્શકે એને એવું કરવા દીધો નથી. લાલો એટલે બસ લાલો. આપણા કોઈપણ ગામમાં કોઈપણ શેરીમાં કે કોઈપણ શહેરની કોઈપણ ગલીમાં મળી જતો લાલો. અમિત સખિયાનો લાલો રીક્ષા ચલાવે છે. બીડી ફૂંક્યે રાખે છે. માવા-બાવા ખાય છે. દારૂના રવાડે પણ ચડેલો છે. માથે લેણું પણ છે. ઠેર ઠેર ઉછી-ઉધારા કરવાની એને ટેવ છે. રાત પડે ઘરે પહોંચશે કે નહીં પહોંચે એ પણ કંઈ નક્કી નથી હોતું એનું. ઘરે બાયડી સાથે પણ નાની નાની વાતમાં ડખા કરે છે. આ લાલો એ કોઈ ફિલ્મનું પાત્ર નથી પણ મારી અને તમારી ગલીમાં જોવા મળતું કોઈ જીવતું જાગતું પાત્ર છે. ફિલ્મના હીરોમાં જોવા મળતા કોઈ મહાન મહાન સદ્ગુણો લાલામાં નથી. ફિલ્મના હીરોમાં જોવા મળતી કોઈ મહાન ખાનદાની કે હિંમત પણ લાલામાં નથી. અને ફિલ્મ હિટ પણ એટલા માટે થઈ છે કે હીરોના ગુણો નહીં હોવા છતાં ફિલ્મ લેખકો (કૃશાંશ વાજા, વીકી પૂર્ણિમા, અંકિત સખિયા)એ લાલાને હીરો બનાવ્યો છે. હીરોના ગુણો આરોપીત કર્યા વગર હીરો બનાવ્યો છે.
ના, ‘લાલો’ એ ‘શોલે’ જેવી કોઈ અમર ફિલ્મ નથી કે જેને આજથી ૫૦ વર્ષ પછી પણ કોઈ યાદ કરશે. ઘણા બધા એન્ગલથી આ ફિલ્મ સામાન્યતામાં સરી પડે છે. પણ ફિલ્મ બોક્સ ઓફિસની દ્રષ્ટિએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ તોડી ચૂકી છે અને ગુજરાતી ભાષામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મના ગુજરાતી અને હિન્દી એમ બંને વર્ઝન આ લખાય છે ત્યારે લગભગ સવાસો-સવાસો કરોડ કમાઈ ચૂક્યાં છે. અને હજી આવકના બંબુડા ચાલુ છે. આ સફળતાનું કારણ એટલું જ છે કે ગુજરાતી મૂવીમાં અને હિન્દીમાં પણ દર્શક વર્ષોથી રૂપ રૂપના અંબાર સમી હિરોઈન અને ગુણગુણના ભંડાર સમો હીરો જોઈને થાકી ચૂક્યો છે.
ફિલ્મ માત્ર એક લાલો નથી. બીજો પણ એક લાલો છે જેના બીજા હજાર નામ છે એવો લાલો. અર્થાત કૃષ્ણ ઉર્ફે કાનુડો. ફિલ્મમાં અસલ હીરો રિક્ષાવાળા લાલાને કહેવો કે પછી વાંસળીવાળા લાલાને કહેવો એ પણ નક્કી કરવું અઘરું બની જાય એવી કારીગરી ફિલ્મ લેખકોએ સર્જી દીધી છે. એ લાલામાં પણ અ-સામાન્ય પ્રકારની સામાન્યતા ભરીને તેને પણ આકર્ષક બનાવી દીધો છે. વર્ષોથી જેના ગુણગાન અને સ્તુતિઓ સાંભળી સાંભળીને આપણે થાકી ગયા છીએ એવો લાલો નથી. ‘સંભવામિ યુગે યુગે’ વાળા લાલાને પણ અહીં વાર્તાકારોએ નવો જ અવતાર આપ્યો છે. સામાન્ય લેખકો હોત તો આ લાલા પાસે ચમત્કારો કરાવીને એને થકવી નાખ્યો હોત. પણ એવું કશું બન્યું નથી એ જ ચમત્કાર છે.
ફિલ્મમાં ‘જગતગુરુ’ લાલાનો પ્રવેશ થાય તે પૂર્વે ફિલ્મ રિયાલિસ્ટિક લાગે છે પણ ત્યાર પછી આખી ’ય ફિલ્મ ફેન્ટસી બની જાય છે અને ફેન્ટાસ્ટિક પણ બની જાય છે.
ફિલ્મ એક મસ્ત મજાની ફિલ્મ છે. તમે હજી પણ આ ફિલ્મ જોઈ ન હોય તો એકવાર માણવા જેવી આ ફિલ્મ છે. અને જોઈ નાખી હોય તો મારા આ રિવ્યુના કેફમાં ફરી એકવાર જોઈ નાખવામાં પણ કંઈ ખોટું નથી. ફિલ્મના બંને લાલાઓ તેમજ આપણા પૃથ્વી પરના સાદા લાલાના મિત્રો, તેની પત્ની, માસી, સાસુ-સસરાઓ સહિત તમામ પાત્રો નિભાવનાર અભિનેતાઓ અભિનેત્રીઓ જાલીમ અભિનય આપી ગયા છે. કોઈમાં કંઈ ઘટે જ નહીં. બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો પણ સરસ છે. વાર્તા કથન સાથે મોટાભાગે એકરસ થઈ જાય છે તેમ છતાં તેમાં જોવા મળતી ઉપદેશાત્મકતા અને અમુક હિંટ મને ગમી નથી. સામાન્ય દર્શકને આકર્ષવા માટે આવું બધું જરૂરી લાગ્યું હશે એટલે દિગ્દર્શકે એ બધું કર્યું હશે. ફિલ્મનું શીર્ષક લાલો રાખ્યા પછી પેટા શીર્ષક ‘કૃષ્ણ સદા સહાયતે’ પણ સામાન્ય દર્શકને મૂવી સુધી લાવવાના કાવતરાના ભાગરૂપે જ ઠઠાડ્યું હશે. કારણ કે અમુક લોકો તો કૃષ્ણના નામથી જ ફિલ્મ જોવા જાય કે ચાલો ભાઈ આપણા કાનુડાનું કંઈક છે જોવા જઈએ. આ રીતે અમુક છાપેલા કાટલાં જેવું ઓડિયન્સ છાપી શકાય. પણ લિમિટ એ છે કે સબ-ટાઈટલના કારણે ફિલ્મ જોવાની મારી ૫૦% મજા ખતમ થઈ ચૂકી હતી. કારણ કે ચોરના ફાર્મહાઉસમાં ચોરી કરવા ગયેલો લાલો ફસાઈ ગયા પછી તેને સહાય કરવા માટે કૃષ્ણ ઉર્ફે લાલો આવવાનો જ છે અને તે સહાય કરવાનો જ છે એની પહેલેથી જ ખબર પડી જાય છે. કૃષ્ણનું નામ વટાવવાની લાલસા રોકીને ફિલ્મનું નામ માત્ર લાલો રાખ્યું હોત તો એ પણ કૃષ્ણનું જ નામ હતું અને એ બધાને સહાય કરે છે એની બધાને ખબર જ છે. ટાઇટલમાં કહેવાની જરૂર ન હતી. ટાઇટલમાં એ ન કહ્યું હોત તો ફિલ્મની આજે થઈ છે એના કરતાં કમાણી બમણી થઈ હોત. અંકિત સહિયર સખિયાને મારી હજી પણ એક સલાહ છે ગુજરાતીથી આગળ વધીને એનું હિન્દી વર્ઝન કર્યું છે, એમ અંગ્રેજી વર્ઝન પણ કરો અને તેનું ટાઈટલ માત્ર લાલો રાખો. લાલો… કરો. અંગ્રેજી ચાલશે કારણ કે ક્રિષ્ના હેલ્પ્સ્ ઓલવેઝ..
naranbaraiya277@gmail.com










































