સુરત શહેરમાં યુવાનોમાં વિદેશ જવાના, ખાસ કરીને લંડન સેટલ થવાના ક્રેઝનો લાભ ઉઠાવીને કરોડો રૂપિયા પડાવી લેતી ટોળકીઓ વધુ સક્રિય થઈ છે. શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં વિદેશ જવા ઈચ્છતા ૧૧ ગ્રાહકો સાથે રૂપિયા ૧.૧૭ કરોડની ઓનલાઇન અને ઓફલાઇન છેતરપિંડીની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ હાઈપ્રોફાઈલ વિઝા કૌભાંડમાં અમદાવાદ અને લંડનમાં પોતાની ઓફિસો હોવાનો મોટો દાવો કરતો રવાણી પરિવાર મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતના સ્થાનિક ફરિયાદીએ લંડન જવા ઈચ્છતા ૧૧ જેટલા ગ્રાહકોના વર્ક વિઝા અને સ્ટુડન્ટ વિઝાના કામ માટે રવાણી પરિવારનો સંપર્ક કર્યો હતો. રવાણી પરિવારે લંડનમાં ગેરંટી સાથે સેટલ કરાવી દેવાની મોટી-મોટી વાતો કરીને ફરિયાદી અને ગ્રાહકોને પોતાના વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, તમામ ગ્રાહકોના ફાઈલ ચાર્જ, ડોક્યૂમેન્ટેશન અને વિઝા પ્રોસેસિંગ ફી પેટે ટુકડે-ટુકડે ઓનલાઈન અને કેશ માધ્યમથી કુલ રૂપિયા ૧,૧૭,૦૦,૦૦૦ (એક કરોડ સત્તર લાખ) પડાવી લીધા હતા.
રૂપિયા લીધાના મહિનાઓ વીતી જવા છતાં રવાણી પરિવાર દ્વારા ગ્રાહકોને કોઈ વિઝા આપવામાં આવ્યા ન હતા. જ્યારે ગ્રાહકો અને ફરિયાદીએ વિઝા પ્રક્રિયામાં થઈ રહેલા અસાધારણ વિલંબ અંગે પૂછપરછ કરી અને પોતાના લાખો રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપી રવાણી પરિવારે નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, રાતોરાત પોતાની ઓફિસોને તાળાં મારીને આખી ટોળકી ગાયબ થઈ ગઈ હતી.
આખરે પોતાની સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે રવાણી પરિવારના સભ્યો સામે આયોજિત કાવતરું, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.