સાવરકુંડલામાંથી પસાર થતો મહત્વનો સ્ટેટ હાઇવે ફરી એકવાર ચર્ચામાં છે. સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થતો અને આગળ ઉના, સોમનાથ, મહુવા, ખાંભા, રાજુલા તથા પીપાવાવ પોર્ટ જેવા મહત્વના વિસ્તારોને જોડતો આ માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જોકે માર્ગનું કામ પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય થવા છતાં માર્ગની હાલત બિસ્માર બનવા લાગી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. સાવરકુંડલામાંથી પસાર થતા આશરે પાંચ કિલોમીટર લાંબા માર્ગના કામને પૂર્ણ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગી ગયો હોવા છતાં કામગીરી હજુ પણ અધુરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તો જેમ જેમ આગળ બનાવવામાં આવે છે તેમ તેમ અગાઉ બનાવેલા ભાગમાં ખાડા પડવા લાગે છે અને ડામર ઉખડવાની શરૂઆત થઈ જાય છે. આથી માર્ગની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે તાજેતરમાં બનાવવામાં આવેલા રસ્તામાં જ અનેક સ્થળોએ ખાડા પડી જતાં હવે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




































