અમરેલીના રંગપુર અને વડેરા ગામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રંગપુર મુકામે વર્ષો જૂની સમસ્યાનો અંત લાવતા રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત સીસીરોડ- સુવિધાપથનું ઉદ્ઘાટન કરાયું હતું. વડેરા ગામે ચોમાસામાં પૂરની સમસ્યા નિવારવા રૂ. ૨૯ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ અને રૂ. ૩૧.૮૦ લાખના ખર્ચે નવા ચેકડેમનું લોકાર્પણ થયું હતું. આ ચેકડેમથી ૧ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે, જેનો લાભ ૩૦ એકર જમીનને મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































