રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બે વનકર્મીઓ પર સિંહે હુમલો કર્યાની ઘટના બાદ વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનને ત્રીજા દિવસે સફળતા મળી હતી. ત્રણ દિવસ સુધી સતત શોધખોળ કર્યા બાદ કાતર ગામની સીમમાંથી ૧૨ વર્ષથી વધુ ઉંમરના ડાલામથા નર સિંહને ટ્રેન્ક્યુલાઇઝ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. સિંહ પકડાઈ જતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પકડાયેલા સિંહને જાફરાબાદ સ્થિત બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિંહની શોધખોળ માટે વનવિભાગની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી. ત્રણ દિવસની મહેનત બાદ સિંહ ઝડપાતા વનવિભાગે રાહત અનુભવી હતી.



































