રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-૧૨માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે.
મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ-૧૨માં અભ્યાસ કરતી સગીરાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરીયા અને રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા તેના સગીર વયના ભત્રીજાને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ તપાસ મુજબ, બંનેની ઓળખાણ જૂનાગઢમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી હોસ્ટેલમાં રહેવા લાગી હતી. જાકે, આરોપી તેનો પીછો કરતાં રાજકોટ પહોંચ્યો અને પોતાના ભત્રીજાની મદદથી સગીરાને ધરમનગર Âસ્થત સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હતો.
સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સતત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતાં આરોપીઓએ સમગ્ર મામલો છુપાવવા માટે ગર્ભપાત કરાવવાના હેતુથી દવાઓ ખવડાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકી આપી સતત માનસિક દબાણ કર્યું હતું. આખરે કંટાળેલી સગીરાએ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. જેના આધારે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના મોબાઇલ ફોન સહિતના ડિજિટલ પુરાવા કબજે લેવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ન્યૂડ ફોટા અને વીડિયો સંબંધિત ડિજિટલ ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રાજકોટમાં સામે આવેલી આ ઘટના ફરી એકવાર સગીરાઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા દ્વારા થતી બ્લેકમેઇલિંગ જેવા ગંભીર મુદ્દાઓને ઉજાગર કરે છે. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને પોલીસ સમગ્ર કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.









































