મોટી કુંકાવાવ ગામમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણને અટકાવવા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેહાબેન નીતિનભાઈ ગોંડલિયાએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે અસામાજિક તત્વો દ્વારા બેરોકટોક થતા દારૂના વેચાણથી સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, પરિવારોમાં અશાંતિ ફેલાઈ રહી છે તથા કાયદો-વ્યવસ્થા અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા જોખમાઈ છે. કુંકાવાવ-વડિયા તાલુકામાં આ દૂષણને સંપૂર્ણપણે ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવે અને તેમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર સકારાત્મક અને ત્વરિત કામગીરી કરે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી છે.









































