વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન યુરોપની મહત્વપૂર્ણ મુલાકાતે રહેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ ફ્રાન્સ અને સ્લોવાકિયાની સત્તાવાર મુલાકાત લેશે અને ફ્રાન્સમાં આયોજિત જી ૭ સમિટમાં પણ ભાગ લેશે. ભારત-યુરોપ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડા પ્રધાન ૧૩ થી ૧૪ જૂન દરમિયાન ફ્રાન્સના નાઇસની મુલાકાત લેશે. આ મુલાકાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર થઈ રહી છે. ૧૪ જૂને, વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં ભારત-ફ્રાન્સ સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરવામાં આવશે. બંને દેશો વચ્ચેના સંબંધો તાજેતરમાં ‘સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સ્તરે ઉન્નત થયા છે.
નાઇસમાં, બંને નેતાઓ સંયુક્ત રીતે ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમ ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સને એકસાથે લાવશે. આ કાર્યક્રમ ભારત-ફ્રાન્સ ઇનોવેશન યરના ભાગ રૂપે યોજાઈ રહ્યો છે અને બંને દેશો વચ્ચે મજબૂત ઇનોવેશન ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ મોદી ૧૬ થી ૧૯ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયન અને પેરિસની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી મોદી ૧૪ થી ૧૬ જૂન દરમિયાન સ્લોવાકિયાની રાજ્ય મુલાકાતે રહેશે. આ મુલાકાત સ્લોવાકિયાના વડા પ્રધાન રોબર્ટ ફિકોના આમંત્રણ પર થઈ રહી છે. ૧૯૯૩માં સ્લોવાકિયાની સ્વતંત્રતા પછી ભારતીય વડા પ્રધાન દ્વારા સ્લોવાકિયાની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એપ્રિલ ૨૦૨૫માં સ્લોવાકિયાની મુલાકાત લીધી હતી અને સ્લોવાકના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીએ ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારતની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન ફિકો દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં વેપાર, રોકાણ, ઓટોમોબાઈલ અને રેલ્વે બાંધકામ જેવા ક્ષેત્રોમાં સહયોગની નવી તકોની ચર્ચા કરવામાં આવશે. વડા પ્રધાન સ્લોવાકના પ્રમુખ પીટર પેલેગ્રિનીને પણ મળશે.
વડાપ્રધાન ૧૬ થી ૧૭ જૂન દરમિયાન ફ્રાન્સના એવિયનમાં જી૭ સમિટમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ જી ૭ દેશોના નેતાઓ અને અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. સમિટના મુખ્ય વિષયો નવી ભાગીદારીનું નિર્માણ અને વૈશ્વીક એકતાને મજબૂત બનાવવી, બધા માટે સંતુલિત, વહેંચાયેલ અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું,કૃત્રિમ બુદ્ધિને સલામત, ઝડપી અને અસરકારક રીતે લાગુ કરવું,
વડાપ્રધાન મોદી સમિટ દરમિયાન અનેક વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. ૧૮ જૂને, પ્રધાનમંત્રી મોદી પેરિસમાં વિવિધ દ્વિપક્ષીય કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ કાર્યક્રમ, વિવાટેક સમિટમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી પેરિસમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.સરકારી નિવેદન અનુસાર, આ મુલાકાત ફ્રાન્સ, સ્લોવાકિયા અને જી૭ દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. જી૭ માં પ્રધાનમંત્રીની હાજરીને વૈશ્વીક મંચ પર ભારતની વધતી જતી ભૂમિકા અને ગ્લોબલ સાઉથ માટે એક મજબૂત અવાજનું પ્રતિબિંબ તરીકે જાવામાં આવી રહ્યું છે. ‘ઇન્ડિયા ઇનોવેટ્સ’ અને ‘વિવાટેક સમિટ’ માં ભાગીદારી વૈશ્વીક નવીનતા, ડિજિટલ પરિવર્તન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ભારતની સ્તિથીને વધુ મજબૂત બનાવશે. આનાથી ભારતીય, ફ્રેન્ચ અને યુરોપિયન ટેકનોલોજી ભાગીદારીને નવી પ્રેરણા મળવાની અપેક્ષા છે.










































