પાકિસ્તાને આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારત સામે ગ્રુપ સ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મેચ ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી છે. પાકિસ્તાન સરકારે ૧ ફેબ્રુઆરીએ સ્પષ્ટતા કરી હતી કે ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય ઉપખંડમાં ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશે અગાઉ ભારતમાં સુરક્ષા ચિંતાઓને કારણે ટી ૨૦ વર્લ્ડ કપમાંથી ખસી ગયું હતું, અને તેના બદલે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. જાકે, વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલી વાર નથી કે કોઈ ટીમ કોઈ ચોક્કસ મેચ અથવા સમગ્ર ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ હોય. ભૂતકાળમાં સુરક્ષા ચિંતાઓ અને રાજકીય પરિસ્થિતિઓને કારણે આવા નિર્ણયો ઘણી વખત લેવામાં આવ્યા છે.
૧૯૯૬ વનડે વર્લ્ડ કપ દરમિયાન, શ્રીલંકા ગૃહયુદ્ધમાંથી પસાર થઈ રહ્યું હતું. ટુર્નામેન્ટના માત્ર બે અઠવાડિયા પહેલા, કોલંબોમાં એક બેંક બોમ્બ વિસ્ફોટમાં ૯૧ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ બંનેએ સુરક્ષા ચિંતાઓને કારણે શ્રીલંકા મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. જાકે બંને ટીમોને શ્રીલંકા સામે રમવા સામે કોઈ વાંધો નહોતો, તેઓ સુરક્ષા ચિંતાઓને કારણે મુંબઈમાં રહ્યા. પરિણામે, શ્રીલંકાને બંને મેચમાં વોકઓવર મળ્યા. આ હોવા છતાં, ત્રણેય ટીમો આગળના રાઉન્ડમાં આગળ વધી.
૨૦૦૩ના વનડે વર્લ્ડ કપમાં, ઇંગ્લેન્ડ ઝિમ્બાબ્વેના હરારેમાં રમવાનું હતું. તે સમયે, બ્રિટનની ટોની બ્લેર સરકારે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે સામે કડક વલણ અપનાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમને ગંભીર સુરક્ષા ચિંતાઓ હતી, જે મેચ પહેલા ધમકીઓથી વધી ગઈ હતી. અંતે, નાસેર હુસૈનના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમે પ્રવાસ રદ કર્યો. ઝિમ્બાબ્વેને વોકઓવર આપવામાં આવ્યો અને ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું.
૨૦૦૩ના વર્લ્ડ કપ દરમિયાન ન્યુઝીલેન્ડે પણ નૈરોબીમાં કેન્યા સામે રમવાનો ઇનકાર કર્યો હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું હતું કે તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે આતંકવાદી સંગઠનો નૈરોબી પર હુમલો કરી શકે છે. પરિણામે, ન્યુઝીલેન્ડે મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો, અને કેન્યાને વોકઓવર મળ્યો. કેન્યાએ સેમિફાઇનલમાં પહોંચીને આ ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો.










































