નવી દિલ્હીમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી કોંગ્રેસ હાઇકમાન્ડની બેઠકમાં ભૂતપૂર્વ મંત્રી વિજય ઇન્દર સિંગલાની હાજરીએ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચાવી છે.
હકીકતમાં, આ બેઠકમાં ફક્ત તમામ રાજ્યોના પ્રભારીઓ અને પ્રમુખોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિણામે, પંજાબના પ્રભારી ભૂપેશ બઘેલ અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ પણ દિલ્હીમાં હતા.
પંજાબના સાંસદ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા રાજસ્થાનના પ્રભારી તરીકે બેઠકમાં હાજર હતા, પરંતુ વિજય ઈન્દર સિંગલાને શા માટે અને કઈ ક્ષમતામાં બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું તે બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના નેતાઓ માટે એક મુખ્ય પ્રશ્ન રહ્યો.હાઈકમાન્ડની બેઠકમાં સિંગલાની હાજરીથી પંજાબ પ્રમુખમાં ફેરફાર અંગે અટકળો ફરી શરૂ થઈ છે, કારણ કે સિંગલાના નામ સૌથી વધુ ચર્ચિત નામ છે.
પંજાબના પ્રભારી બઘેલ, હાઈકમાન્ડ સમક્ષ આગ્રહ કરી ચૂક્્યા છે કે વર્તમાન પ્રમુખ ચૂંટણી સુધી પદ પર રહે, પરંતુ સિંગલાની બેઠકમાં હાજરી કંઈક અલગ જ સૂચવે છે. બેઠક દરમિયાન રાહુલ ગાંધી અને ખડગેએ બઘેલ અને વારિંગ સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને વિધાનસભાની તૈયારીઓ અંગે પ્રતિભાવ માંગ્યો.
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે જણાવ્યું છે કે પંજાબમાં આગામી ચૂંટણીઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે.
પોતાની ભૂમિકા અંગે, વારિંગે કહ્યું કે તેઓ હંમેશા પાર્ટીના કાર્યકર રહ્યા છે અને એક કાર્યકર તરીકે પાર્ટીની સેવા કરતા રહેશે. તેમણે કહ્યું, “પંજાબમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે, અને આગામી સરકાર કોંગ્રેસ દ્વારા જ બનવાની છે. આ પંજાબના દરેક કોંગ્રેસીનું લક્ષ્ય છે, અને દરેક વ્યકતી આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.”