લાઠીના મેથળી ગામની સીમ વિસ્તારમાં એક યુવકને ‘અગાઉનું ભૂલી ગયો નથી ને?’ તેમ કહી ગાળો આપવામાં આવી હતી. ગાળો બોલવાની ના પાડતા તેને ઢીકાપાટુનો મૂઢ માર મારવામાં આવ્યો હતો, તેમજ ‘હવે પછી માથાકૂટ કરીશ તો પતાવી દઈશ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના સંદર્ભે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.આ અંગે અનિરુદ્ધભાઈ હિંમતભાઈ સિંધવે હિતેશભાઈ ઉર્ફે ડુટો કાળુભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના પિતા તેમજ આરોપીના પિતા વચ્ચે અઠવાડિયા પહેલા જમીન બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી તેઓ પોતાના દાદાના ખેતરે પાકને નુકસાન કરતાં રોઝ (નીલગાય) હાંકવા માટે તપાસ કરવા જતા હતા, તે દરમિયાન રસ્તામાં આરોપીએ તેમને રોકી અગાઉનું મનદુઃખ યાદ કરાવી ગાળો આપી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીએ ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. તે સમયે તેમના કુટુંબી મામા અભયભાઈ પરમાર તથા ઉમેશભાઈ પરમાર વચ્ચે પડતાં આરોપીએ તેમને ‘હવે પછી માથાકૂટ કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી.સામા પક્ષે હિતેશભાઈ ઉર્ફે ડુટો કાળુભાઈ શિયાળે અનિરુદ્ધભાઈ ઉર્ફે બબુ હિંમતભાઈ સિંધવ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેના પિતા તથા આરોપી અનિરુદ્ધના પિતા વચ્ચે અગાઉ જમીન બાબતે બોલાચાલી થઈ હતી. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડની પાઈપ જેવા હથિયારો સાથે રાખી હુમલો કર્યો હતો. મેથળી ગામથી નજીક ઓગનના ઢાળ પાસે આરોપી અનિરુદ્ધે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઈપ વડે હિતેશભાઈના ડાબા હાથના બાવડા પર એક ઘા માર્યો હતો, તથા અન્ય આશરે છ અજાણ્યા આરોપીઓએ લોખંડની પાઈપ વડે હાથ-પગ તેમજ પીઠના ભાગે માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.