ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે નેપાળ દુર્ઘટનામાં ૨૮૮ ભારતીય નાગરિકો ગુમ થયા છે. આમાંથી ૭૩ લોકો ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, તમિલનાડુના ૩૭ અને ૩૯ લોકોના બે જૂથો કૈલાશ માનસરોવર યાત્રા પર છે. પશ્ચિમ બંગાળના ૩૨ લોકોનું ત્રીજું જૂથ પણ કૈલાશ માનસરોવર યાત્રા પર છે. નેપાળમાં વિવિધ રાજ્યોના વધુ ૬૧ લોકો ગુમ છે. વધુમાં, કેરળના ૩૩ લોકોનું એક જૂથ નેપાળમાં ગુમ છે. આમ, કૈલાશ માનસરોવર યાત્રા પર કુલ પાંચ જૂથો ગુમ છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તમિલનાડુના ૨૧ ગુમ થયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમને ટૂંક સમયમાં કાઠમંડુથી નવી દિલ્હી લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઘણા કૈલાશ માનસરોવર યાત્રાળુઓ પણ ચીનમાં ફસાયેલા છે, જેમની સંખ્યા લગભગ ૨૦૦ છે, અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા લાવવામાં આવશે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે નેપાળને બે વિમાન મોકલ્યા છે. આમાંથી એક, સી-૧૩૦ જે વિમાન, બુધવારે ૧૦ ટન રાહત સામગ્રી લઈને નેપાળ પહોંચ્યું, જેમાં કામચલાઉ આશ્રયસ્થાનો અને દવાઓનો સમાવેશ થાય છે. આજે, બીજું સી -૧૭ વિમાન ૩૭ ટન રાહત સામગ્રી લઈને નેપાળ જવા રવાના થયું. આમાં આઠ ટન દવાઓ અને એક ટન ખોરાકનો સમાવેશ થાય છે. આમ, બે દિવસમાં ૪૭ ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોકલવામાં આવેલી બધી રાહત સામગ્રી નેપાળની વિનંતી પર આધારિત હતી.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને તેઓ ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પૂરને કારણે નેપાળમાં નેટવર્ક ભારે ખોરવાઈ ગયું છે, જેના પરિણામે ઘણા લોકોનો સંપર્ક થઈ શકતો નથી. નેપાળ અને બેઇજિંગમાં અમારા દૂતાવાસો ૨૪ કલાક હેલ્પલાઈન ચલાવીને લોકોને મદદ કરી રહ્યા છે. જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓ ઉપલબ્ધ થતાંની સાથે અપડેટ્સ આપતા રહેશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે નેપાળના ત્રણ જિલ્લાઓમાં ભોટેકોશી નદીમાં અચાનક પૂરથી થયેલા વિનાશ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રાલયની ટીમ અને કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય રાજદૂતોએ હાજરી આપી હતી. રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર માહિતી શેર કરતા કહ્યું, “મેં નેપાળમાં પૂરની આફત અંગે વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય ટીમ અને કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય રાજદૂતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ ભારતીયોની Âસ્થતિ અને સલામતી અંગે માહિતી એકત્રિત કરવા માટે ઝડપી પ્રયાસો ચાલી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે વિદેશ મંત્રાલય આ સંદર્ભમાં વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, ટૂર ઓપરેટરો અને પ્રોજેક્ટ અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. “અમે રાહત અને બચાવ કામગીરી તેમજ આ બાબતે નેપાળ સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં છીએ અને નજીકથી કામ કરી રહ્યા છીએ.”







































